લંડન: પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે 19 ડિસેમ્બર 2022ના રોજ વેસ્ટમિન્સ્ટર પેલેસના ટેરેસ પેવેલિયનમાં વિશેષ સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોએ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી અન્યોની ખુશીમાં જ આપણી ખુશી રહેલી છે તેવા તેમના સંદેશાને યાદ કર્યો હતો.
આ પ્રસંગે પાઠવેલા વિશેષ વીડિયો સંદેશામાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, નમસ્તે, જય સ્વામીનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજ તેમના અન્યોની ખુશીમાં જ આપણી ખુશી છે તે સંદેશમાં આજે પણ જીવંત છે. બ્રિટનમાં સામુદાયિક મદદ અને સૌંદર્ય માટે જાણીતું નિસડન મંદિર તેમની પ્રેરણાનું પ્રતિક છે. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્માણ કરાયેલા તમામ મંદિર સેવા માટે પ્રતિબદ્ધ રહે છે. કોરોના મહામારી દરમિયાન બીએપીએસે ન કેવળ હિન્દુ પરંતુ મુશ્કેલીના સમયમાં હજારો જરૂરીયાતમંદોને સહાય પૂરી પાડી હતી. છેલ્લા 50 વર્ષથી ચાલી રહેલા સેવાકાર્યોને કોણ જાણતું નથી. બ્રિટનમાં ઘણી સડકોને પ્રમુખ સ્વામી મહારાજનું નામ અપાયું છે. પ્રમુખ સ્વામી મહારાજની આપણા દેશમાં સેવાઓ અને સહાયને શ્રદ્ધાંજલિ આપવા વેમ્બલી સ્ટેડિયમની કમાનને શણગારવામાં આવી છે.
આવકાર સંબોધન કરતાં લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજ આપણા સમયના મહાન નેતાઓ પૈકીના એક હતા. 1988માં પ્રમુખ સ્વામી મહારાજે આ સ્થળની મુલાકાત લીધી હતી. મારા મતે પ્રમુખ સ્વામી મહારાજ નમ્રતા, માનવતા અને દીર્ધદ્રષ્ટિનો સંગમ હતા. તેમના વિચારો, શબ્દો અને કૃત્યોમાં સંપુર્ણ સામ્યતા રહેતી. પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કરેલા કાર્યો આજે આ દેશમાં મહાન વારસો બની રહ્યાં છે. પછી તે નિસડન મંદિર હોય કે પછી બ્રિટનમાં વધી રહેલા સેવાકાર્યો. તાજેતરમાં માન્ચેસ્ટર અને બર્મિંગહામમાં શરૂ કરાયેલા નવા મંદિરો, અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર વૈશ્વિક મંચ પર મજબૂત હાજરી પૂરાવી રહ્યાં છે. 1984માં પ્રમુખ સ્વામી મહારાજ પોપ જ્હોન પોલ દ્વિતિયને મળ્યા હતા. આંતરધર્મ ચર્ચાઓમાં રોમન કેથલિક ચર્ચના વડાને મળનારા તેઓ સૌપ્રથમ હિન્દુ આધ્યાત્મિક આગેવાન હતા. વર્ષ 2000માં પ્રમુખ સ્વામી મહારાજે સંયુક્ત રાષ્ટ્રની શાંતિ બેઠકને સંબોધન કર્યું હતું.
તેમણે હિન્દુ વિચારધારાની ઓળખ વિશ્વને કરાવી હતી. તેમણે ઘણા સમય પહેલાં પર્યાવરણ જાગૃતિ અંગે વાતો કરી હતી. આવા મહાન આત્મા સાથે સંપર્કમાં આવીને આપણે ધન્ય થઇ ગયાં છીએ.
બીએપીએસ યુકેના ટ્રસ્ટી ડો. મયંક શાહે પ્રમુખ સ્વામી મહારાજના જીવન, શિક્ષણ અને કાર્યો અંગે ટૂંકમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવનકાળમાં 17000 ગામની મુલાકાત લીધી હતી. તેઓ કારમાં નહીં પરંતુ ટ્રકમાં પાછળ બેસીને કે રિક્ષામાં પ્રવાસ કરતા હતા. તેમણે વિશ્વને 1100 મંદિરની ભેટ આપી, નિસડન મંદિર તેમાંનુ એક છે. આ મંદિરો સંસ્કૃતિની જાળવણી, સેવાકાર્યો અને ઉમદા નાગરિકો તૈયાર કરવાનું પ્રતિક બની રહ્યાં છે. તેઓ હંમેશા આંતરધર્મી ભાઇચારાના હિમાયતી રહ્યા હતા. તેઓ હંમેશા કહેતા કે સંખ્યામાં વધારો કોઇપણ ધર્મની સાચી પ્રગતિ નથી. ધર્મની સાચી પ્રગતિ જીવનની ગુણવત્તા, શુદ્ધતા અને આત્મિક જાગૃતિમાં છે. સમગ્ર વિશ્વમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી થઇ રહી હોવાથી આ વર્ષ વિશેષ છે. યુકે અને યુરોપમાં અમે 17 કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
આ પ્રસંગે યુકેમાં ભારતના હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે અર્થપૂર્ણ કાર્ય કરવાની ઇચ્છા અને દરેકની સેવા એ બીએપીએસના ડીએનએમાં છે. પ્રમુખ સ્વામી મહારાજનો માનવતા અને સાથી માનવો પ્રત્યે પ્રેમ રાખવાનો સંદેશ તેનું હાર્દ છે. બીએપીએસની દરરોજની પ્રવૃતિઓમાં સેવાની સુગંધ છે. વૈષ્ણવ જન તો... તેનો અર્થ એ છે કે જે અન્યોની પીડા સમજે છે તે પરમેશ્વરના પ્રિય છે. જો તમે અન્યની પીડા અને વેદના સમજી શક્તા નથી, અન્યોની ખુશીને સમજી શક્તા નથી અને વિશ્વને સુંદર બનાવવા સાથે આપણા કૃત્યો મેળ ખાતા નથી તો આપણે કશું કરતાં નથી. જો જીવન એક ટૂંકી મુસાફરી છે તો આપણી સાથે પ્રવાસ કરી રહેલા તમામ માટે તેને સારી બનાવવી જ યોગ્ય રહેશે.
આ પ્રસંગે મિસ મેઇ સિમ લાઇ ઓબીઇ અને બ્રિટિશ એરવેઝ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને વિશેષ શ્રદ્ધાંજલિ અપાઇ હતી. નેપાળના રાજદૂત જ્ઞાન ચંદ્ર આચાર્ય, લોર્ડ રેમી રેન્જર, લોર્ડ ડોલર પોપટ, સાંસદ બેરી ગાર્ડિનર, કૃપેશ હિરાણી એએમ, કાઉન્સિલર રામજી ચૌહાણ, ડો. ભરતભાઇ શાહ, નવિનભાઇ શાહ સીબીઇ, વિનોદ ઠકરાર, સુભાષ ઠકરાર, શશિભાઇ વેકરિયા, ચંદ્રેશ પટેલ, મહેન્દ્ર જી પટેલે પણ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.
કરિશ્મા દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું. પલક, વિધિ અને તુલસી દ્વારા શાંતિ પથ રજૂ કરાયું હતું. મયુખજિત ચક્રવર્તીએ બાંસુરી પર વૈષ્ણવ જન તો.... ભજન રજૂ કરાયું હતું. રિના અમીને આભારદર્શન કર્યું હતુ.