મુંબઇઃ ચર્ચગેટ ખાતે યોજાયેલા એક સમારંભમાં જાણીતા ગઝલકાર અને આધ્યાત્મિક સંશોધક ડો. જવાબહર બક્ષીના ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ પુસ્તકની ત્રીજી આવૃત્તિનું લોકાર્પણ તાજેતરમાં દક્ષા બક્ષી, દીના મહેતા અને આસિત મહેતાને હસ્તે થયું હતું. કોઈ પીએચડીના સંશોધનાત્મક પુસ્તકની ત્રીજી આવૃત્તિ થવી તે વિરલ અને ગુજરાતી ભાષાના ગૌરવ સમી ઘટના છે.
આ પ્રસંગે ડો. જવાહર બક્ષીએ જણાવ્યું હતું કે વૈદિક ઋષિઓની વાણી ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતામાં સર્વપ્રથમ ઊતરી હતી. આજે 600 વર્ષ પછી પણ તે તાજી અને સનાતન લાગે છે. ડો. જવાહર બક્ષીએ 25 વર્ષના સંશોધન તથા તેમની દાયકાઓની આધ્યાત્મિક સાધનાના પ્રકાશમાં 600 વર્ષમાં ન ઉકેલાયેલાં ગૂઢ રહસ્યોને ઉજાગર કર્યાં છે, જેમ કે, ‘જળકમળ છાંડી જાને બાળા...’ એક કુંડલિની યોગનું કાવ્ય છે, અને ‘સહસ્રફેણા ફંફવે’ સુધીના સહસ્ત્રદળ કમળ અને તે પછીની યાત્રાના અને તેમાં આવતાં વિઘ્નોનો ઘટસ્ફોટ કર્યો છે.
ઈશાવાસ્ય ઉપનિષદનાં સ્પંદનો
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ એ રચના સલ્વમખલ્વિદમ બ્રાહ્મ તેમજ ઈશાવાસ્ય ઉપનિષદનાં સ્પંદનો છે. આ પુસ્તકમાં વિશેષરૂપે જેના કારણે નરસિંહ મહેતાને કારાવાસ મળ્યો હતો તે શૃંગાર કાવ્યોને રાધા-કૃષ્ણના આત્મા-પરમાત્માના સંદર્ભમાં સમજાવ્યા છે. જૂનાગઢમાં આવેલા રૂપાયતન ટ્રસ્ટ દ્વારા આ પુસ્તકના મુખ્ય વિક્રેતા મુંબઇની એન.એમ. ઠક્કરની કંપની છે.