અબુ ધાબીઃ મિડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌપ્રથમ અને સૌથી મોટા શિખરબદ્ધ હિન્દુ મંદિરના લોકાર્પણ સાથે જ માનવ ઇતિહાસનો સ્વર્ણિમ અધ્યાય લખાયો છે. વસંત પંચમી પર્વે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે આ ભવ્યાતિભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક એકતા અને સૌહાર્દનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહેશે.
સનાતન હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના અભૂતપૂર્વ સંગમ અને વૈશ્વિક સંવાદિતાના પ્રતીક સમાન બીએપીએસ હિન્દુ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય લોકાર્પણ સમારોહ રંગેચંગે સંપન્ન થયો હતો. પ્રેમ - શાંતિ અને સંવાદિતાના ત્રિવેણીસંગમ સમાન આ મંદિરનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજનું સપનું આપણે સાકાર કરી શક્યા છીએ. આ ભવ્ય - દિવ્ય મંદિર સમગ્ર માનવતાને સમર્પિત કરું છું.’
આ પ્રસંગે મહંત સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવતાં આ મંદિર દ્વારા સૌને જીવનમાં શાંતિ, સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 5 એપ્રિલ 1997ના રોજ કરેલા સંકલ્પ અનુસાર સાકાર થયેલું પરંપરાગત શૈલીનું આ મંદિર સનાતન હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા અને એકતાના મૂલ્યોને ઉજાગર કરે છે તો તેમાં સાંસ્કૃતિક અભિવ્યક્તિ, કલા, સ્થાપત્યનો પણ અદભૂત સમન્વય જોવા મળે છે.