લંડનઃ વૈશ્વિક અશાંતિ, આતંકવાદ, આર્થિક અંધાધૂંધી અને દેશો વચ્ચેના સંઘર્ષો મધ્યે નીસડન સ્વામિનારાયણ મંદિરે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવણી અંતર્ગત વિશ્વ શાંતિ મહાયજ્ઞોનું આયોજન કરાયું હતું. આ પરંપરાગત વૈદિક સમારંભોમાં વિશેષ ધુમાડાવિહિન અગ્નિનો ઉપયોગ કરાયો હતો. 3 જુલાઇ - રવિવારે યોજાયેલા અંતિમ યજ્ઞમાં લોર્ડ જિતેશ ગઢિયા, તેમના પુત્ર દેવ, ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’ના એડિટર ઇન ચીફ સી.બી. પટેલ, બીએપીએસના ટ્રસ્ટી વિનુભાઇ ભટ્ટેસ્સા - ઓબીઇ, સંસદસભ્યો ડોન બટલર, બેરી ગાર્ડનર અને વિરેન્દ્ર શર્મા, બ્રેન્ટ કાઉન્સિલના નેતા મુહમ્મદ બટ્ટ, લંડન એસેમ્બ્લી મેમ્બર કૃપેશ હિરાણી જોડાયાં હતાં.
યજ્ઞવિધિ વિદ્વાન પંડિતો દ્વારા હાથ ધરાઇ હતી અને તેમાં મોટી સંખ્યામાં બાળકો તથા યુવાનો જોડાયાં હતાં. પંડિતોએ યજ્ઞોના આધ્યાત્મિક મહત્ત્વ અને યજ્ઞોપવિત વિધિઓ અંગે સુંદર માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ સમારંભો અને યજ્ઞો દ્વારા પરિવારોને એકસાથે મળીને પૂજાઅર્ચના કરવાની અને મૂલ્યો શીખવાની તક પ્રાપ્ત થઇ હતી. બાળકો અને સગીરોને યજ્ઞોનું મહત્ત્વ સમજાવતી માહિતી સાથેની પઝલ્સ અને ગેમ્સની બુકલેટ્સ અપાઇ હતી. યજ્ઞો દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ સામુહિક રીતે શાંતિ, સંરક્ષણ અને વૈશ્વિક ભાઇચારા માટે પૂજા અર્ચના કરી હતી. પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવન દ્વારા પ્રદર્શિત કરેલા મૂલ્યોના માર્ગદર્શનમાં તમામ શ્રદ્ધાળુઓ તેમની પારિવારિક એકતામાં વૃદ્ધિ પામી રહ્યાં છે.
લંડનની સાથે બર્મિંગહામ, લેસ્ટર અને માન્ચેસ્ટર ખાતે આવેલા મંદિરોમાં પણ યજ્ઞો યોજાયા હતા. પાંચ સપ્તાહાંતમાં કુલ 27 યજ્ઞ કરાયા જેમાં 8000 કરતાં વધુ યજમાનો જોડાયાં હતાં. બ્રિટનના મહારાણીની પ્લેટિનમ જ્યુબિલી બીકોન પ્રજવલ્લિત કરાયા સાથે જ બીજી જૂનથી યજ્ઞોનો પ્રારંભ થયો હતો.