વૈષ્ણવ સંઘ યુકે (VSUK) દ્વારા ગત ૧૭ એપ્રિલમાં શરૂ કરાયેલ NHS કોવિડ-૧૯ ફંડરેઝીંગ પ્રોજેકટને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના ઇલાજ માટે ઉપયોગી ઇકવીપમેન્ટ માટે સહાય રૂપ થવા વૈષ્ણવ સંઘ યુકે તરફથી ૨૫૦૦૦ પાઉન્ડ એકત્ર કરવા આ પ્રોજેકટ લોન્ચ કરાયો હતો. જેને હેરોના મેયર કાઉન્સિલર નિતિન પારેખ દ્વારા ટેકો અપાયો હતો. VSUKના આ પ્રોજેકટને વધાવી ૧૮ મે સુધીમાં ૧૫૦થી વધુ સહયોગીઓના સહકારથી આ પ્રોજેકટને સફળતા સાંપડી હતી. ગત ગુરૂવારે - ૧૧ જૂને બપોરે હેરો ખાતે શ્રીનાથધામ હવેલી એન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં લંડન નોર્થ-વેસ્ટ NHS ટ્રસ્ટના ચીફ એકઝીકયુટીવ, ચીફ ફાયનાન્સ ઓફિસર અને સિનિયર મેમ્બરોની ઉપસ્થિતિમાં વૈષ્ણવ સંઘ યુકેના ચેરમેન અને ટ્રસ્ટીઓએ NHS ટ્રસ્ટને ૨૫૦૦૦ પાઉન્ડની માતબર રકમનો ચેક અર્પણ કર્યો હતો. હેરોના રોઝલીન ક્રેસન્ટ પર અનેકવિધ પ્રવૃત્તિથી કાર્યરત શ્રીનાથધામ હવેલીના ચેરમેન અને ટ્રસ્ટ બોર્ડને આ સફળ પ્રોજેકટ બદલ હેરોના મેયરશ્રી નિતિન પારેખે અભિનંદન પાઠવ્યા હતા.