વોલફિન્ચ હોમ કેર દ્વારા હેરો અને બ્રેન્ટમાં તેમના ક્લાયન્ટ્સના આરોગ્ય અને સ્વાસ્થ્યને સુધારવા નિઃશુલ્ક ચેર (ખુરશી) યોગ અને દાંતની તપાસની નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે. વોલફિન્ચ નેશનલ હોમ કેર બ્રાન્ડ છે જે વયોવૃદ્ધોની સારસંભાળ સહિત વિવિધ પ્રકારની વિશિષ્ટ હોમ કેર સર્વિસ, સપોર્ટ અને કમ્પેનિયનશિપ સર્વિસીસ પૂરી પાડે છે. દેશભરમાં તેની 30થી વધુ ઓફિસ છે જેની માલિકી ફ્રેન્ચાઈઝી મેનેજિંગ ડાયરેક્ટર્સ હસ્તક છે.
વોલફિન્ચ હોમ કેર સર્વિસના મેનેજિંગ ડાયરેક્ટર અને રજિસ્ટર્ડ મેનેજર શિલ્પી વર્માએ જણાવ્યું હતું કે,‘કેટલાક કલાયન્ટ્સે પૂછ્યું હતું કે અમે તેમને યોગ કરાવી શકીએ કે કેમ. હું 12 વર્ષથી યોગ કરી રહી છું અને મેં મારા યોગશિક્ષકને પૂછ્યું કે તેઓ અમારા ક્લાયન્ટ્સ માટે ઓનલાઈન ક્લાસીસ આપી શકે કે કેમ. તેઓ સંમત થયાં અને હવે અમારાં કોઈ પણ ક્લાયન્ટ્સ, તેમના પરિવારો અને કેરર્સ માટે દર સપ્તાહે નિઃશુલ્ક ઓનલાઈન યોગશિક્ષણ મળી શકે છે. ઘણા લોકો ઓછું હલનચલન કરી શકે છે, આથી બેસીને યોગ કરી શકાય જેમાં શ્વાસોચ્છવાસ, સ્ટ્રેચિંગ અને રિલેક્સિંગ પર ભાર મૂકાય છે. ક્લાયન્ટ્સે અમને જણાવ્યું છે કે ઊંડા શ્વાસોચ્છવાસથી તેમને હળવાશ અનુભવવા અને ચિંતા ઓછી કરવામાં મદદ મળે છે.
યુએસના અભ્યાસોમાં જણાયું છે કે ચેર-ખુરશી યોગથી ચિંતાતુરતામાં સુધારો થાય છે અને કદાચ હલનચલન-મોબિલિટી સુધારવામાં અને પડી જવાનો ભય ઘટાડવામાં લાભ મળે છે. અન્ય અભ્યાસો અનુસાર યોગથી તણાવ, પીડા, નબળાઈ, સાંધાઓમાં ચીકાશ અને સમતોલનમાં મદદ મળી શકે છે.
શિલ્પીના 20 ટકા ક્લાયન્ટ્સ તેમનજ નજીકના સગાં અને સગર્ભા કેરર્સ પણ તેમાં જોડાઈ રહ્યાં છે. 80 વર્ષની માતા દ્વારા સારસંભાળ લેવાય છે તેવા 58 વર્ષીય ક્લાયન્ટે જણાવ્યું હતું કે, સંપૂર્ણ સમય મારી દેખરેખ રાખનારી મારી માતા માટે આ સહેલું બન્યું છે. જોકે, ઘણી વખત તે જોડાઈ શકતી નથી.
દાંતની નિઃશુલ્ક તપાસ
શિલ્પી વર્મા જેમને જરૂર હોય તેવા તમામ ક્લાયન્ટ્સને દાંતની મફત તપાસ પૂરી પાડે છે. તેમણે સ્થાનિક મોબાઈલ ડેન્ટિસ્ટ ડો. લવલિના બિન્દ્રા સાથે ટીમ ઉભી કરી છે જેઓ મુખ આરોગ્યનાં મૂલ્યાંકન માટે ક્લાયન્ટ્સની વિઝિટ કરે છે. આને લોકપ્રિયતા મળી છે કારણકે તેઓ તેમની પ્રેક્ટિસ સાથે રજિસ્ટર થઈ શકે છે અને ડોક્ટર ડેન્ટલ હાઈજિન સર્વિસીસ પૂરી પાડે છે અને ઘણી વખત તેમના ઘરમાં પણ ફિલિંગ્સ કરી આપે છે. જો મુશ્કેલ કામ હોય તો તેમના ક્લિનિકમાં, NHSમાં અથવા પ્રાઈવેટ પ્રોસીજર તરીકે પણ સેવા આપે છે. વોલફિન્ચ હેરો એન્ડ બ્રેન્ટ યોગ અને ડેન્ટલ સર્વિસીસ માટે ચૂકવણી કરે છે જે તેમના તમામ કલાયન્ટ્સ માટે હોય છે. જે તેમને અન્ય સ્થાનિક હોમ કેર પ્રોવાઈડર્સથી અલગ પાડે છે.
સોશિયલ કેર એવોર્ડ્સ- ધ હોમ કેર બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડની વિજેતા શિલ્પી વર્મા હવે તેમની સર્વિસીસને વધુ વ્યાપક બનાવવાંના આયોજનના ભાગરૂપે ક્વોલિફાઈડ અને ઈન્સ્યોર્ડ લોકલ હેરડ્રેસર્સ અને પોડીઆટ્રિસ્ટ્સ સાથે ભાગીદાર કરવાનું વિચારી રહ્યાં છે. તેઓ કહે છે કે,‘ આરોગ્ય અને સ્વાસ્થ્યને સુધારે તેવી સક્રિય સારસંભાળ આપવાં અમે તત્પર છીએ. એક વખત ક્લાયન્ટ્સ તેને ઉપયોગમાં લેશે તો તેનાથી જીવનમાં આવનારા તફાવતને અવશ્ય માણી શકશે.’