અમદાવાદ: અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે યોજાયેલી વિશાળ સત્સંગ સભામાં શુભમ ગ્રૂપ ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ અને ચારિત્ર્યશીલ જીવન જીવવાના શપથ લઇને સમાજને માર્ગ ચીંધ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સફળતા મેળવવા માટે હંમેશા ઉંચા ધ્યેય નક્કી કરવા જોઈએ અને પછી તેને હાંસલ કરવા સખત પુરુષાર્થ કરવો જોઈએ. સફળતા મેળવવી હશે તો મહેનત કરવી પડશે અને સફળતાના શિખરે પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવા માટે વ્યસનમુક્ત અને ચારિત્ર્યશીલ જીવન જીવવું જરૂરી છે. સભાના અંતે પ્રેમવત્સલદાસજી સ્વામીએ સહુ કોઇને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે ‘હું ક્યારેય આત્મહત્યા નહિ કરું, કોઈપણ પ્રકારનું વ્યસન નહિ કરું, અને જીવનપર્યંત માતા-પિતાની સેવા કરીશ, નિત્ય ભગવાનને પ્રાર્થના કરીશ’.