અબુ ધાબીઃ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની સોમવારે અબુ ધાબીમાં પધરામણી સાથે જ મિડલ ઇસ્ટનો ભારતીય સમુદાય હિન્દુ ધર્મના રંગે રંગાયો છે. મહંત સ્વામીના ત્રણ સપ્તાહના યુએઇ વિચરણ દરમિયાન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે તા. 10થી 21 ફેબ્રુઆરી ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ યોજાશે.
યુએઇના વરિષ્ઠ પ્રધાન શેખ નહ્યાન મબારક અલ નહ્યાને ‘સ્ટેટ ગેસ્ટ’ પૂ. મહંત સ્વામીને આવકારતા કહ્યું હતું ‘યુએઇમાં આપનું સ્વાગત છે. આપના આગમનથી આ દેશની ધરતી પવિત્ર થઇ છે. આપની ઉદારતા અમારા દિલને સ્પર્શી ગઇ છે, અમે આપની પ્રાર્થનાની અનુભૂતિ કરી રહ્યા છીએ.’ ઉષ્માપૂર્ણ આતિથ્યના પ્રતિભાવમાં મહંત સ્વામી મહારાજે કહ્યું હતું, ‘આપનો પ્રેમ અને સત્કાર હૃદયસ્પર્શી છે. યુએઇના નેતાઓ મહાન અને વિશાળ હૃદયના છે.’
મિડલ ઇસ્ટમાં હિન્દુ સ્થાપત્ય શૈલીનું પ્રથમ મંદિર
ઇસ્લામિક સમુદાયની બહુમતી ધરાવતા મિડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા હિન્દુ સ્થાપત્ય શૈલી અને પથ્થરમાંથી નિર્મિત સૌપ્રથમ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વસંત પંચમી પર્વે - 14 ફેબ્રુઆરીએ રંગેચંગે ઉજવાશે. બીએપીએસ નિર્મિત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઇના શાસકો સહિતના મહાનુભાવો હાજરી આપશે.
શેખ શાસકોની ઉદારદિલીનું પ્રતીક
અબુ મુરેખામાં સાકાર થયેલું આ ભવ્ય મંદિર ભારત અને યુએઇ વચ્ચેની સુદૃઢ મિત્રતા, સાંસ્કૃતિક સંવાદિતા અને સહયોગની ભાવનાનું પ્રતીક બની રહેશે. યુએઇ સરકાર અને તેના શાસકોની ઉદારતાના કારણે આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે. 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઇ આર્મ્ડ ફોર્સના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિર નિર્માણ માટે 13.5 એકર જમીન દાન આપી હતી. પછી 2019માં ‘યર ઓફ ટોલરન્સ’ દરમિયાન વધુ 13.5 એકર જમીન ફાળવી કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી છે.
પ્રમુખ સ્વામી મહારાજનું સપનું સાકાર
ભારતથી 2500 કિમી દૂર અબુ ધાબીમાં હરિભક્તોની મહેનત અને સંતોના માર્ગદર્શનમાં 27 એકરમાં આ મંદિર સાકાર થયું છે. 2018માં દુબઈના ઓપેરા હાઉસમાં વડાપ્રધાન મોદી દ્વારા રજૂ કરાયેલું બીએપીએસ મંદિરનું મિનિએચર મોડેલ અત્યારે હકીકતમાં આકાર લઈ રહ્યું છે. 1997માં પ્રમુખ સ્વામી મહારાજ અહીં આવ્યા હતા તો તેમણે એક સપનું જોયું હતું કે અહીં હિન્દુ મંદિર બને. આજે 27 વર્ષ પછી આ સપનું સાકાર થઈ રહ્યું છે.
મંદિરના ગેટ પર રેતીના ઢગલાની રચના કરાઈ છે. જેને સાત અમીરાતમાંથી રેતી લાવીને બનાવાયું છે. આગળ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે જેમાં મુખ્ય પ્રવેશદ્વાર પહેલાં સીડીની બંને તરફ ગંગા-યમુનાનો પ્રવાહ રહેશે અને સરસ્વતી નદીની કલ્પના એક લાઇટથી કરાઈ છે. ગંગા સાથે 96 ઘંટોને સ્થાપિત કરાયા છે, જે 96 વર્ષની તપસ્યા દર્શાવે છે. મંદિરના માર્ગે ઠંડી રહેનારી નેનો ટાઇલ્સ લગાવાઈ છે. ત્યારે, મંદિરની જમણી બાજુ ગંગા ઘાટ છે.
7 એમિરેટ્સને દર્શાવતા 7 શિખર
મંદિરમાં 7 શિખર છે, જે યુએઇના સાત એમિરેટ્સને દર્શાવે છે. મંદિરમાં સાત દેવી-દેવતા વિરાજશે, જેમાં રામ-સીતા, શિવ-પાર્વતી સામેલ છે. પથ્થરો પર હેન્ડક્રાફ્ટથી મહાભારત, ગીતાની કથાઓ દર્શાવાઈ છે. દીવાલો પર પથ્થરો દ્વારા સંપૂર્ણ રામાયણ, જગન્નાથ યાત્રા અને શિવ પુરાણ પણ કોતરાયેલાં છે. મંદિર પરિસરમાં પ્રાર્થના કક્ષ, કોમ્યુનિટી સેન્ટર, લાઈબ્રેરી, બાળકોનો પાર્ક અને એમ્ફીથિયેટર છે. પાયાના પથ્થરો સાથે સેન્સર લગાવેલાં છે જે રિસર્ચ માટે વાઈબ્રેશન, દબાણ, હવાની ગતિ અને ઘણાં પ્રકારનો ડેટા આપે છે. 3 વર્ષમાં રાજસ્થાન અને ગુજરાતના 2000 કારીગરોએ 402 સફેદ આરસના પિલર તૈયાર કર્યા.