લંડનઃ રીડિંગના વુડલી ખાતે સેન્ટ જેમ્સ ચર્ચમાં 9 નવેમ્બરે મેગ્ના કાર્ટા પીસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ નિમિત્તે COP 26ના પૂર્વ પ્રેસિડેન્ટ લોર્ડ પ્રેમ શર્મા KCMGએ કહ્યું હતું કે શાંતિ સરકી જઈ રહી છે પરંતુ, આપણે તેને પરત મેળવી શકીએ છીએ. અર્લે અને વુડલીના સ્થાનિક સાંસદ યુઆન યાંગ MP એ વર્તમાન સંઘર્ષના ક્ષેત્રો દર્શાવી ન્યાયની સાથે શાંતિ પ્રાપ્ત કરવા નીતિઓ ઘડવા વિશે જણાવ્યું હતું. ઓલ્ડ વિન્ડસરના લોર્ડ યંગે ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથે તેમના કામકાજ વિશેની સુક્ષ્મ સમજની જાણકારી સહુ સમક્ષ રજૂ કરી હતી.
મેગ્ના કાર્ટા ફાઉન્ડેશનના ચેરમેન ડો. પ્રેમ શર્માએ યાદ અપાવી હતી કે ઓછા સ્વાર્થી બનવા સાથે જ શાંતિ આવી શકે છે. જો સમગ્ર વિશ્વ આ રીતે જીવવાનું પસંદ કરશે, કોઈ પોતાની જ પ્રતિષ્ઠા વિશે નહિ પરંતુ, અન્યોના કલ્યાણ વિશે વિચારે, તો તે વાસ્તવમાં પરિવર્તનકારી બની રહેશે. લોર્ડ શર્માએ જણાવ્યું હતું કે શાંતિ અને શાશ્વતતા સંકળાયેલા છે. ક્લાઈમેટ કટોકટી સાથે વધતી અરાજકતા આપણા સહુ માટે જોખમરૂપ છે. તેને કોઈ સીમાડા નથી. વિશ્વના દરેક હિસ્સામાં રહેતા આપણે દરેક માટે ક્લાઈમેટ ચેઈન્જને હલ કરવામાં આપણી ભૂમિકા ભજવવાની અને વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જળવાય તેની ચોકસાઈ રાખવાની જવાબદારી છે.
મેગ્ના કાર્ટા વર્લ્ડ પીસ ઈન્ડેક્સ રાષ્ટ્રો વચ્ચે અને રાષ્ટ્રોની અંદર સંઘર્ષના કારણોનું વિશ્લેષણ કરે છે. હેનલી બિઝનેસ સ્કૂલના વાઈસ ડીન પ્રોફેસર યિનશાન ટાંગે ઈન્ડેક્સના સંશોધનની રજૂઆત કરી જણાવ્યું હતું કે આર્થિક વિકાસનો અભાવ દેશો વચ્ચે શાંતિ બાબતે નોંધપાત્ર અવરોધ બની શકે છે. ઘણા સંઘર્ષોના કેન્દ્રમાં લોભ-લાલચ રહેલા છે.
વોકિંગહામ બરો કાઉન્સિલના ડેપ્યુટી મેયર કાઉન્સિલર કેરોલ જેવેલે શાંતિ માટે વાતાવરણના નિર્માણમાં આપસી સમજ અને કોમ્યુનિકેશનની તાતી જરૂરિયાત વિશે અંગૂલિનિર્દેશ કર્યો હતો. તેમણે માસિક ‘રિપેર શોપ’ અને સાઉથ લેક ઈકો ટ્રેઈલ જેવી સ્થાનિક પ્રવૃત્તિઓ લોકોને એકબીજાની નિકટ લાવી શકે તેનો ઉલ્લેખ કર્યો હતો.
સેન્ટ જેમ્સ ચર્ચના વિકાર રેવ. લૌરેન્સ સ્મિથે સલાહ આપી હતી કે શાંતિ માટે ઘણા અવરોધો પડકારરૂપ હોવાં છતાં કોયડો ઉકેલવાનો સૌથી સારે માર્ગ એક સમયે એક જ બાબત હાથ ધરવાનો છે. અન્ય સ્થાનિક કાઉન્સિલર શાહિદ યુનિસે કાઉન્સલ અને સ્થાનિક કોમ્યુનિટી સંસ્થાઓ વધુ નિકટતા અને ઉદ્દેશ સાથે કામ કરે તેની જરૂર પર ભાર મૂક્યો હતો. બ્રહ્માકુમારી બહેનો જયંતિ અને અરૂણાએ આંતરિક શાંતિ હાંસલ કરવા અંતરમાં ડોકિયું કરવાની સલાહ આપી હતી.