લંડનઃ શાંતિ ભવન યુકે ચેપ્ટરના 2023ના ભવ્ય ફંડ રેઈઝિંગ ઈવેન્ટમાં ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનનો સંગમ જોવા મળ્યો હતો. 9 નવેમ્બર 2023ના દિવસે નં.11 કેવેન્ડિશ સ્ક્વેર ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં શાંતિ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાપિથા રવિ અને અમૃતા હરિશે તેમની યાત્રા નઅને સિદ્ધિઓની અકલ્પનીય કથા સંભળાવી હતી. શાંતિ ભવન યુકે ચેપ્ટરના અધ્યક્ષ જય સિંગાડિઆ અને ઉપાધ્યક્ષ એલેક્સિસ ગોલ્ડને સ્વાગત સંબોધનમાં યુકે ચેપ્ટરની વ્યવસ્થા તેમજ શાંતિ ભવનના કેમ્પસમાં વોલન્ટીઅર્સ તરીકે તેમના અનુભવો વિશે વાત કરી હતી.
શાંતિ ભવનના ઓપરેશન્સ ડાયરેક્ટર અજિત જ્યોર્જે તેમના ચાવીરૂપ સંબોધનમાં ભારતમાં મિલિટરી સર્વિસ પછી અમેરિકામાં સ્થળાંતર કરી જનારા ડો. જ્યોર્જની યાત્રા અને આખરે શાંતિ ભવનની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આસપાસની કોમ્યુનિટીઓ તેમજ શિક્ષણ થકી ઉત્થાન પામેલા બાળકોના પરિવારો પર શાળાની અસર વિશે પણ જણાવ્યું હતું. તેમણે કર્ણાટકમાં 2024ના ઉત્તરાર્ધમાં બીજી શાળા શાંતિ ભવન 2ને ખોલવાના ભવ્ય આયોજન વિશે પણ જણાવ્યું હતું.
આ પછી, ઉપસ્થિત લોકોએ શાંતિ ભવનના બે ગ્રેજ્યુએટ્સ- હાલમાં બેંગલોરમાં એશિયન ડેવલપમેન્ટ બેન્ક માટે કામ કરતાં અમૃતા હરિશ તેમજ બોર્નમાઉથ યુનિવર્સિટીમાં ગ્રાફિક ડિઝાઈનનો અભ્યાસ કરતાં પાપિથા રવિની પ્રેરણાદાયક કહાણીઓ સાંભળી હતી. પાપિથા અને અમૃતા વાસ્તવમાં પડકારરૂપ અંગત પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યાં હતા અને શાંતિ ભવનમાં તેમના અભ્યાસે તેમને તેમનાં પેરન્ટ્સને સપોર્ટ કરવાનું અને ગરીબી, વ્યસન અને હિંસાના પેઢીગત વિષચક્રમાંથી બહાર આવવાનું શક્ય બનાવ્યું હતું.
સમગ્ર સાંજ દરમિયાન, બેંગલોરના સંગીતકારો આર એન પ્રકાશ અને શશાંક પુરાણિક દ્વારા પરંપરાગત કર્ણાટકી સંગીતના પરફોર્મન્સે મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. યુકે ચેપ્ટર બોર્ડના મેમ્બર ગિયુલિઆ બારેસીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
શાંતિ ભવન બેંગલોરની બહાર આવેલી નિવાસી શાળા છે. શાંતિ ભવનની સ્થાપના ભારતીય અમેરિકન બિઝનેસમેન, શિક્ષણશાસ્ત્રી અને પરગજુ માનવી ડો. અબ્રાહમ જ્યોર્જ દ્વારા 26 વર્ષ અગાઉ કરવામાં આવી હતી.