લંડનઃ બ્રિટિશરો જીવનનિર્વાહ કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને DWP યુનિવર્સલ ક્રેડિટ પરના તમામ બાળકોને શાળામાં મફત ભોજન આપવાની સલાહને પડતી મૂકી છે. જ્હોન્સને જાહેર કરેલા ફૂડ સ્ટ્રેટેજી વ્હાઈટ પેપરમાં લાખો બાળકોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવાનો સમાવેશ નહિ કરતા ભારે રોષ ફેલાયો છે. જ્હોન્સને યુનિવર્સલ ક્રેડિટ મેળવતા પરિવારોના તમામ બાળકોને શાળામાં મફત ભોજન અપાય તેવી તેમના ફૂડ સલાહકાર હેન્રી ડિમ્બલ્બીની સલાહ અવગણી તેને સમીક્ષા હેઠળ રાખી છે. હાલ જો પરિવારની વાર્ષિક આવક 7,400 પાઉન્ડથી વધુ હોય તો ધોરણ 3 અને તેથી વધુમાં અભ્યાસ કરતા મોટા ભાગનાં બાળકો શાળામાં ફ્રી મીલ્સ મેળવવાને પાત્ર નથી.