શિકાગોઃ ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન્સ, શિકાગો (FIA CHICAGO)એ ભારતનો 75મો પ્રજાસત્તાક દિન ધામધૂમથી ઉજવ્યો હતો. આ ઉજવણીમાં આપણા સમૃદ્ધ વારસા, જે સંઘર્ષ પછી આઝાદી હાંસલ કરાઈ તેમજ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાદાયી બની રહે તેવા ઉત્સાહનો સમાવેશ થયો હતો.
શિકાગોસ્થિત ડેપ્યુટી કોન્સુલ જનરલ ઓફ ઈન્ડિયા ટી.ડી. ભુટિઆ તથા ડો. રેડ્ડી, યસ દેસાઈ, સુનિતાજી, ડો. વિજય પ્રભાકર, ડો. રશ્મિ પટેલ, ગાભાવાલા અને નીતિન પટેલ દ્વારા દીપપ્રાગટ્ય સાથે ઉજવણીનો આરંભ કરાયો હતો. ઓડિયન્સ સમક્ષ ભારતના પ્રજાસત્તાક દિનના મહત્ત્વને દર્શાવતી ટુંકી ફિલ્મ ઉપરાંત, કોમ્યુનિટીને સશક્ત બનાવવાના હેતુસર વર્ષ દરમિયાન FIAની પ્રવૃત્તિઓની સમીક્ષા રજૂ કરાઇ હતી.
આ પછી, વૃન્દા પાન્ડેવજીના મધુર સ્વરોમાં ગવાયેલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’થી દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા. કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્થી, ડો. રેડ્ડી, ડો. વિજય પ્રભાકરે પ્રજાસત્તાક દિનના મહત્ત્વ વિશે પ્રેરણાદાયી સંદેશાઓ રજૂ કર્યા હતા. કૃતિ પંડ્યા અને ખાટીની જોડીએ આ સાંજનું સુપેરે સંચાલન કર્યું હતું. હીના પંડ્યાના વિમેન એમ્પાવર ગ્રૂપે સુંદર પરફોર્મન્સ થકી આપણી કોમ્યુનિટીમાં સ્ત્રીઓની શક્તિ અને લચીલાપનનું પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે FIA શિકાગોની 1980માં સ્થાપનાથી આજ પર્યંત કાર્યરત ડો. શ્રીનિવાસ રેડ્ડી અને ડો. વીજીપીનું સન્માન કરાયું હતું.