શિકાગો: મહાનગર શિકાગોમાં એક સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સંપૂર્ણ ગીતા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. શિકાગોના નોવરિના ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ ભારતીય અને અમેરિકન લોકોએ ભગવદ ગીતાના પાઠમાં ભાગ લીધો હતો, જે અત્યાર સુધીનો એક રેકોર્ડ છે. ભગવદ ગીતાના તમામ 700 શ્લોકોનું એકસાથે પઠન કરવામાં આવ્યા હતા.
આ અનોખા કાર્યક્રમમાં સામેલ થવા માટે અમેરિકાનાં 30 રાજ્યો અને વિશ્વના 14 દેશોમાંથી લોકો પહોંચ્યા હતા. ત્રણ વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના વયસ્કોએ ભાગ લીધો હતો, જેમાંથી મોટા ભાગના લોકોએ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ સાથે સમગ્ર ભગવદ ગીતાનું પઠન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાના ઈલિનોઈસના લેફ્ટનન્ટ ગવર્નર જુલિયાના સ્ટાર્ટન, સેક્રેટરી ઓફ સ્ટેટ એલેક્સી ગાયોલીઆસ અને હોફમેન સ્ટેટના મેયર બિલ મેકલિયોડ પણ હાજર હતા.