શિક્ષણ પાયાનો પથ્થર, તેના પર જ સમાજ અને રાષ્ટ્રનો વિકાસઃ સલમાન ઇકબાલ

Sunday 05th November 2023 09:02 EST
 
 

મુંબઈઃ તાજેતરની મુંબઈની મુલાકાત દરમિયાન વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)ના પ્રમુખ સલમાન ઈકબાલનું ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન અને ડબલ્યુએમઓ નોર્થ ઈન્ડિયા ચેપ્ટર દ્વારા ફખ્ર-એ-ઈન્સાનિયત (માનવતાનું ગૌરવ) અને રેહનુમા-એ-કોમ (સમાજના માર્ગદર્શક) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સલમાન ઇકબાલે શિક્ષણનો પાયો ગણાવતાં કહ્યું હતું કે તેના પર જ સમાજ અને રાષ્ટ્ર વિકસતા હોય છે. તેમણે ભારતીય મેમણ સમાજનું ભાવિ ઉજ્જવળ હોવાનું જણાવ્યું હતું.

ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણીઓએ ડબલ્યુએમઓ પ્રમુખ સલમાન ઈકબાલ, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ અશરફ સત્તાર અને હારુન કરીમ-ઓબીઇનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલ મેમણ (ઓફિસર) એક સમાજના સક્રિય નેતા તરીકે આગવી નામના ધરાવે છે. નોંધપાત્ર સિદ્ધિ અને અસાધારણ નેતૃત્વના કારણે જ ભારતનો મેમણ સમાજ તેમના પર વિશ્વાસ ધરાવે છે. માનવતાવાદી અભિગમ અને શ્રેષ્ઠ વક્તા હોવાની સાથે તેઓ સારા યજમાન પણ છે. ભારતની મુલાકાતે આવેલા વિદેશી મેમણ પ્રતિનિધિ મંડળો એમના ઉષ્માભર્યા આતિથ્ય સત્કારને માણી ચૂક્યા છે. ડબલ્યુએમઓના પ્રમુખ સલમાન ઇકબાલ પાકિસ્તાની ઉદ્યોગપતિ છે એઆરવાય ડિજિટલ નેટવર્કના સીઈઓ તરીકે કાર્યરત છે.

સલમાન ઈકબાલે એઆરવાય ડિજિટલ નેટવર્ક પરિવારના ભારત સાથે ઊંડા મૂળના જોડાણો વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારત એમના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે શિક્ષણ એ પાયાનો પથ્થર છે. જેના પર સમાજ અને રાષ્ટ્રો વિક્સિત થાય છે. ભારતીય મેમણ સમાજના નેતા ઈકબાલ મેમણ (ઓફિસર)ની તેમણે પ્રશંસા કરી શુભેચ્છા આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter