લંડનઃ લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) દ્વારા બિઝનેસ અને પ્રોફેશનલ્સ ઈવેન્ટ- LCNL Link નું આયોજન 13 જૂન 2024ના રોજ ધામેચા લોહાણા સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનો થીમ – ‘બિઝનેસ, ઈઝ ઈટ ઓલ એ ગેમ્બલ’ હતો. આ ઈવેન્ટ થકી વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ નેટવર્કિંગ, સમજસભર ચર્ચા અને કનેક્ટિવિટીના સંદર્ભે એકત્ર થયા હતા.
આ સાંજની ઈવેન્ટમાં બિઝનેસ કોમ્યુનિટીમાં દિગ્ગજ અતુલ પાઠકનું ચાવીરૂપ સંબોધન કેન્દ્રસ્થાને રહ્યું હતું. યુકેમાં સૌથી મોટી સંખ્યામાં મેક્ડોનાલ્ડના ફ્રેન્ચાઈઝીસ પાછળના વ્યક્તિ અતુલ પાઠકની મહત્ત્વાકાંક્ષી એન્ટ્રેપ્રીન્યોરથી અતિ સફળ બિઝનેસ માંધાતા સુધીની યાત્રાએ એન્ટ્રેપ્રીન્યોરશિપ અને નેતૃત્વ સંદર્ભે મૂલ્યવાન સમજ પૂરી પાડી હતી.
યંગ લોહાણા સોસાયટી (YLS)ના ચેરપર્સન તુલસી તન્ના અને સોનલ માગેચાની આગેવાની હેઠળ અતુલ પાઠક સાથેની ફાયરસાઈડ ચેટથી ઓડિયન્સ મંત્રમુગ્ધ બની ગયું હતું. આ વાતચીતમાં અતુલભાઈએ તેમની કારકિર્દીને ઘડનારાં ગણતરીપૂર્વકના જોખમો, વિજયો અને પ્રસંગોપાત પીછેહઠની કથાઓ જણાવી હતી. ભવિષ્યના વર્કફોર્સને સપોર્ટ કરવાના મહત્ત્વ પર તેમણે આપેલો ભાર પોતાના ક્ષેત્રોમાં આગેવાન ગણાતા બિઝનેસમેન્સ સહિત ઉપસ્થિત લોકોની બરાબર સમજમાં આવી ગયો હતો. તેમના દ્વારા અપાયેલી વ્યવહારુ સલાહ અને પ્રેરણાદાયી અનુભવોનાં બયાનના સમન્વય થકી ઓડિયન્સને તેમની પોતાની એન્ટ્રેપ્રીન્યોરશિપ મહત્ત્વાકાંક્ષાઓને નવેસરના ઉત્સાહ સાથે આગળ વધારવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.
મૂર કિંગ્સ્ટન સ્મિથના વિજય તન્ના અને ટિમ સ્ટોવોલ્ડે નોન-ડોમિસૈાઈલ્ડ ટેક્સ અને બિઝનેસ એડવાઈઝરી વિષયો પર વાત કરી હતી. LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંજય રુઘાણીએ LCNL LINK પર પ્રકાશ પાડ્યો હતો. અમિત ચંદારાણા અને અમિત કારીઆએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઈવેન્ટમાં ઉપસ્થિત લોકોએ ‘ફેક મની’ કેસિનોની મોજ માણી હતી જેનાથી મનોરંજનની સાથોસાથ સાથી પ્રોફેશનલ્સ સાથે હળવામળવા અને સંપર્ક સાધવાની તક સાંપડી હતી.