અબુધાબીઃ રણના કણ કણમાં બ્રહ્મનાદ જગાવનાર અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરે પવિત્ર રમઝાન મહિનામાં શ્રદ્ધા - સંસ્કૃતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ યોજાઇ ગયો. ગયા મંગળવારે યોજાયેલો ‘ઓમસિયાત’ - ઇન્ટરફેઇથ કલ્ચરલ ઇવનિંગ કાર્યક્રમ ખરા અર્થમાં વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક બન્યો હતો. અબુધાબી મંદિરના વડા બ્રહ્મવિહારીદાસ સ્વામીના નેજામાં યોજાયેલા આ કાર્યક્રમમાં યુએઇ સરકારના વરિષ્ઠ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત વિવિધ ધર્મ અને સમુદાયના 200થી વધુ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યાદગાર પ્રસંગે હાજરી આપનાર સહુ કોઇના હૈયા અને હોઠે એક જ લાગણી હતીઃ અનેકતામાં એકતા માત્ર સિદ્ધાંત નથી, જીવનપદ્ધતિ છે, અને જેની ઝલક અહીં નજરે ચઢી છે. (વિશેષ અહેવાલ પાન - 27)