લંડનઃ અમદાવાદ ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી બ્રિટિશ હાઈ કમિશનર જ્યોફ વેઈને તા.૨૩ સપ્ટેમ્બરે કેન્ટન/હેરોમાં આવેલા શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરની સૌજન્ય મુલાકાત લીધી હતી. સ્વામી આનંદવલ્લભદાસજીએ તેમને આવકાર આપ્યો હતો અને સભામાં હરિભક્તોને તેમની ઓળખ આપી હતી. સભાને સંબોધતા જ્યોફ વેઈને જણાવ્યું હતું કે તેમને ભૂજ અને અમદાવાદના શ્રી સ્વામીનારાયણ મંદિરો દ્વારા ચાલતી કામગીરી ખૂબ પ્રશંસનીય લાગી હતી.
આ બે મંદિરોની એક કરતાં વધુ વખત લીધેલી મુલાકાત દરમિયાન મંદિરોની પ્રવૃત્તિઓથી પોતે ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે યુકેમાં સ્વામીનારાયણ મંદિરો દ્વારા તેમના સમાજ માટે થતા આધ્યાત્મિક કાર્ય ઉપરાંત થતી ચેરિટેબલ પ્રવૃત્તિઓથી તેઓ સારી રીતે વાકેફ છે.