લંડનઃ માત્ર હિન્દુઓ જ નહિ વ્યાપક કોમ્યુનિટીની સેવા કરતા શ્રી જલારામ જ્યોત મંદિર (સડબરી) આશરે ૧૨,૦૦૦ લોકોનો ભક્તગણ ધરાવે છે. વેસ્ટ લંડનમાં આવેલા મંદિર અને કોમ્યુનિટી સેન્ટર ખાતે સજાવટ અને સમારકામનું કાર્ય હાથ ધરાનાર છે જેના માટે યુનિટી ટ્રસ્ટ બેન્ક તરફથી ૧.૧ મિલિયન પાઉન્ડનું રિફાઈનાન્સ પેકેજ અપાયું છે. સડબરીના રેપ્ટન એવન્યુમાં આવેલા મંદિરનું સંચાલન ધ લોહાણા મહાજન (યુકે) ટ્રસ્ટ (LMT) હસ્તક છે.
ટ્રસ્ટ સામાજિક નિસબત સાથેની કોમર્શિયલ બેન્ક દ્વારા અપાયેલી લોનનો ઉપયોગ મહત્ત્વની સેવા અને સુવિધાઓ વધારવા માટે કરશે. મંદિર અને કોમ્યુનિટી સેન્ટર દ્વારા દૈનિક પૂજા-પ્રાર્થના, ધાર્મિક પ્રવૃત્તિઓ હિન્દુ અને ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરાવાય છે. આ ઉપરાંત, દરરોજ સેંકડો સભ્યો અને અસહાય લોકોને તાજુ રાંધેલું ભોજન પીરસવામાં આવે છે. સ્પોર્ટ્સ, મનોરંજન, સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ, અશક્ત સભ્યો માટે પ્રવાસ, અંતિમસંસ્કારો, લગ્ન સમારંભો તેમજ ધાર્મિક, સાંસ્કૃતિક અને ધરોહરના શિક્ષણ સહિતની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.
શ્રી જલારામ જ્યોત મંદિર અને યુનિટી ટ્રસ્ટ બેન્ક વચ્ચે રિફાઈનાન્સ પેકેજ વોટફોર્ડસ્થિત ઝૂમ ફાઈનાન્સ લિમિટેડના ડાયરેક્ટર દર્શન રોયના લીધે શક્ય બન્યું છે. દર્શન રોયે જણાવ્યું હતું કે,‘ શ્રી જલારામ જ્યોત મંદિર અગાઉ ભારે ખર્ચાળ પ્રાઈવેટ ફાઈનાન્સ ધરાવતું હતું અને ટ્રસ્ટીગણ સુધારા વધારા કરાવવા ઈચ્છતા હતા. તેમના જેવી ચેરિટેબલ સંસ્થાઓ સાથે મારા સંબંધો અને અનુભવના કારણે મારો સંપર્ક કરાયો હતો. મારી ભૂમિકા ક્લાયન્ટ્સ તેમજ બેન્કોના વિઝનને સમજવાની છે. LMTનું માળખું અને તેમને યોગ્ય ધીરાણકારની જરુર સમજ્યા પછી સમજદાર, પ્રતિસાદ આપવા તત્પર સાથે પ્રોફેશનલ એવી યુનિટી ટ્રસ્ટ બેન્ક ચિત્રમાં આવી હતી અને આ સંબંધ બધા માટે તદ્દન યોગ્ય હતો.’
શ્રી જલારામ જ્યોત મંદિર/ ધ લોહાણા મહાજન (યુકે) ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે,‘અમારા રેપ્ટન એવન્યુ મંદિરને વિકાસલક્ષી રણનીતિ આગળ વધારવા માટે ફાઈનાન્સની આવશ્યકતા હતી. આ માટે પોસાય તેવા ફાયનાન્સ દરની વ્યવસ્થા ઝૂમ ફાઈનાન્સની મદદથી યુનિટી ટ્રસ્ટ બેન્ક સાથે થઈ શકી છે. યુનિટી ટ્રસ્ટ બેન્ક સાથે મજબૂત સંબંધો બાંધવા માટે અમે ઉત્સાહી છીએ.’