લંડન: હાલની આર્થિક સ્થિતિમાં આપણા સ્થાનિક સમુદાયના ઘણા લોકો પોતાની જરૂરીયાતો પૂરી કરવામાં મૂંગે મોઢે મુશ્કેલી વેઠી રહ્યાં છે. ભૂખ્યાંને ભોજન અને જરૂરતમંદોને સહાયના જલારામ બાપાના સિદ્ધાંતોને અનુસરતા અમે કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના જરૂરતમંદ લોકોને કરિયાણું ઉપલબ્ધ કરાવવા મંદિર ખાતે ફૂડ બેન્ક શરૂ કરવા નિર્ણય લીધો હતો. 28 જૂન 2022થી શરૂ કરાયેલી આ ફૂડ બેન્ક ખાતે દર મંગળવારે બપોરે 2.30થી 3.45ની વચ્ચે 70 થી 100 લોકોને સહાય અપાઇ રહી છે.
ઘણા વર્ષોથી કેટલાક ભક્તો રાજકોટથી વિરપુરની વાર્ષિક યાત્રા માટે જતા હોય છે પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લા 3 વર્ષથી આ યાત્રામાં સામેલ થવાનું શક્ય નહોતું. તેથી તેમણે ફૂડ બેન્કના પ્રોજેક્ટના પ્રમોશન અને ભંડોળ એકઠું કરવા 30 ઓક્ટોબર 2022ના રોજ ગ્રીનફોર્ડ ખાતે આવેલા શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટરથી હંસલો ખાતે આવેલા જલારામ જુપડી ટેમ્પલ સુધી 9 કિલોમીટરની સખાવત યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો.
હવે ફૂડ બેન્કની આ સેવાને વિસ્તારવામાં આવી છે. સેન્ટ્રલ લંડનમાં દર બુધવાર અને શુક્રવારે ઘરવિહોણાને સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
મંદિર ખાતે દરરોજ બપોરે 12.30થી 2.00 સુધી સદાવ્રત પ્રસાદ પીરસવામાં આવે છે. ભારતમાં સપ્તાહમાં 1000 બાળકોને બટુક ભોજન પીરસાય છે. આ સખાવતી પ્રવૃત્તિમાં દાન આવકાર્ય છે.
ચાર મંદિરની યાત્રા
30 ઓક્ટોબર - રવિવારે ચાર મંદિરની યાત્રાનું આયોજન કરાયું હતું. તેમાં જોડાયેલા 10 ભક્તોએ ફક્ત અઢી કલાકમાં યાત્રા પૂરી કરી હતી. યાત્રાળુઓએ ગ્રીનફોર્ડ ખાતેના શ્રી જલારામ મંદિર ખાતેથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને માર્ગમાં સાઉથહોલ ખાતેના વિશ્વ હિન્દુ મંદિર ખાતે દર્શન માટે રોકાયા હતા. ત્યાંથી તેઓ કિંગ સ્ટ્રીટ પર આવેલા રામ મંદિર પહોંચ્યા હતા. આખરે હંસલોમાં જલારામ જુપડી ખાતે યાત્રાનું સમાપન કરાયું હતું. અહીં તેમનો ભાવભીનો આવકાર કરાયો હતો. દર્શન અને આરતી બાદ જલારામ બાપાનો પ્રસાદ પીરસાયો હતો. યાત્રા દ્વારા 12500 પાઉન્ડનું દાન એકઠું થયું હતું.