શ્રીમદ ભગવદ ગીતાના ઉપદેશ અનુસાર "જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ છે"; કોઇનું અકાળે, અણધાર્યું મૃત્યુ થાય છે તો કોઇનું દિર્ઘાયુ ભોગવી મૃત્યુ થાય છે. પરિવાર-કુટુંબમાં કાળજાના ટૂકડા જેવી દિકરી કે દિકરાની ચિરવિદાય થાય છે ત્યારે એ મા-બાપની કેવી મનોદશા હોય છે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. ગયા શનિવારે ગ્રીનફોર્ડ વિસ્તારના શ્રી જલારામ મંદિરમાં યોજાયેલ પ્રાર્થના સભામાં જવાનું થયું. ટાંન્ઝાનિયાના દારેસલામમાં જાણીતા બીઝનેસમેન જેઠાલાલ નાકરના દિકરા જશવંતભાઇ નાકર તથા એમનાં પત્ની સુશીલાબેન નાકરની વહાલસોયી યુવાન દિકરી સંગીતાની ગયા વર્ષે દુ:ખદ ચિરવિદાય થઇ જતાં એની સ્મૃતિમાં જશવંતભાઇ તથા સુશીલાબહેને પ્રાર્થના સભા રાખી હતી.
ગ્રીનફોર્ડની વિશાળ જગ્યામાં અદ્યતન ઢબે તૈયાર થયેલા શ્રી જલારામ મંદિરનો સુવ્યવસ્થિત વહીવટ અને નિ:સ્વાર્થ સેવા આપતા સમિતિ સભ્યોની કર્મનિષ્ઠા ખૂબ સરાહનીય છે. નિજ મંદિરના હોલમાં શિસ્ત અને સ્વચ્છતા જાળવવા સભ્યો સતત એનાઉન્સ કરતા રહે છે જે આવકાર્ય છે.નીચેના ફલોર ઉપર 'લાડુમા ધામેચા પરિવાર' દ્વારા સેવા સમર્પિત થયેલ વિશાળ હોલમાં ભોજનાલય છે અને ઉપરના ફલોર ઉપર દેવ-દેવીઓની મનોહારી મૂર્તિઓની સ્થાપના થઇ છે એ ભવ્ય હોલમાં યોજાયેલી પ્રાર્થના સભામાં વાદ્ય સંગીત સાથે કલાકારોએ સુંદર કંઠે ભજનો રજૂ કરી દિવંગત આત્માને અંજલિ આપી હતી.