શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા લિંબાચીયા સમાજના સભ્યોનું સ્નેહ સંમેલન તા. ૨૨ જુલાઈને રવિવારે મહેર કોમ્યુનિટી સેન્ટર, લેસ્ટર ખાતે યોજાયું હતું. દિવસભર એટલે કે સવારે ૯.૩૦થી સાંજે ૬ વાગ્યા સુધીના કાર્યક્રમમાં જ્ઞાતિના લગભગ ૧,૫૦૦ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
સવારે સભ્યો આવી પહોંચતા તેમને ગરમાગરમ ચા અને નાસ્તો અપાયો હતો. ત્યારબાદ લિંબચ માતા, ગણેશબાપા અને શ્રી સેન ભગત મહારાજના સ્વાગત માટે કાર પાર્કથી હોલ સુધીની કળશયાત્રા યોજાઈ હતી. માથે કળશ સાથે બાલિકાઓએ શોભાયાત્રાની આગેવાની કરી હતી.
પ્રારંભમાં સંસ્થાના પીઆરઓ શ્રી રમણભાઈ બાર્બર MBEએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
ત્યારબાદ મહારાજ મિતેશભાઈ દવેએ સૌને શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન કરાવ્યું હતું. તે ઉપરાંત, હનુમાન ચાલીસાના પાઠનું ગાન અને આરતીનો સૌ સભ્યોએ લાભ લીધો હતો. એ પછી જ્ઞાતિની ડિરેક્ટરીનું વિમોચન કરાયું. સાથે સાથે યજમાન શ્રી મધુભાઈ મોહનભાઈ નાઈનું જ્ઞાતિ દ્વારા સન્માન કરાયું હતું.
બપોરે સ્વાદિષ્ટ ભોજનનો રસાસ્વાદ માણ્યા પછી જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરીને વડીલો અને મહેમાનો દ્વારા તેમનું સન્માન કરાયું હતું.
શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકેના પ્રેસિડેન્ટ શ્રી મહેન્દ્રભાઈ નાઈએ તેમના પ્રવચનમાં સમાજના વિકાસ માટે સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિની માહિતી આપી. બિલ્ડિંગ કમિટીનો સંદેશો વાંચી સંભળાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વાઈસ પ્રેસિડેન્ટ ડો. ત્રિભોવનભાઈ જોટાંગિયા અને સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ દેવજીભાઈ ગલોરિયા સહિત હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના બાળકો તેમજ યુવાનો અને યુવતીઓએ નૃત્ય અને ગીત સંગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. જેને ઉપસ્થિત સૌએ હોંશે હોંશે માણ્યો. અને તેમની કલાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. રેફલ ડ્રો પછી અંતમાં શ્રી લિંબચ માતાજીની સ્તુતિનું ગાન કરીને સૌ દિવસભર કરેલા આનંદની યાદ લઈને વિખૂટા પડ્યા હતા.