શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજને સમર્પિત સેવકોના સન્માન અર્થે યોજાયો ઐતિહાસિક કાર્યક્રમ

Wednesday 11th December 2019 08:02 EST
 
 

ગુજરાતીઓના ગઢ ગણાતા બ્રેન્ટ બરોના વેમ્બલી સ્ટેડિયમ અને વેમ્બલી પાર્ક સ્ટેશનથી થોડી મિનિટોના અંતરે જ ફોર્ટી લેન પર અદ્યતન ડિઝાઇનથી સજજ સત્તાવીશ પાટીદાર સેન્ટર એ ગુજરાતીઓનું ગૌરવ ગણાય છે. સત્તાવીશ પાટીદાર સમાજની ઇમારતમાં નિર્માણ થયેલ ત્રણ વિશાળ હોલ કાર્યક્રમોથી સતત બીઝી રહે છે. ૭૦ના દાયકામાં આફ્રિકાથી યુ.કે. આવીને સ્થાયી થયેલા આ સમાજના સ્વપ્નદ્રષ્ટાઓએ રોપેલું બીજ આજે વટવૃક્ષ બની સમાજની શાન વધારી રહ્યું છે. આ સમાજ માટે ગત ૨૩ નવેમ્બ૨ ૨૦૧૯નો દિવસ ઐતિહાસિક બની ગયો. ૪૫ વર્ષ પહેલાં શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ)ની સ્થાપના કરનાર સમાજના સ્થાપકોથી માંડી અત્યાર સુધીના સમયકાળ દરમિયાન શ્રી સત્તાવીશ પાટીદાર સમાજને તન, મન અને ધનથી સમર્પિત થયેલા સમાજના સભ્યોનું શાલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું. સત્તાવીશ પાટીદાર સમાજની ઇમારતમાં "મોસ્ટીન" નામે ભવ્ય હોલ નામાભિદાન કરનાર પૂર્વ ટ્રસ્ટી અને સમાજના ઉદારમના અગ્રણી કિરીટભાઇ રામભાઇ પટેલ (બાકરોલ) તરફથી સૌના સન્માન અર્થે શાલ ભેટ આપવામાં આવી હતી.

સમાજ સેવકોના સન્માન અર્થે યોજાયેલ આ ઐતિહાસિક કાર્યક્રમમાં દૂરસુદૂરથી નિવૃત્ત વડીલો, માતાઓ અને ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક દિવંગત થઇ ગયેલા સમાજ સેવકોના કુટુંબીજનો પણ આ સન્માન કાર્યક્રમમાં હર્ષભેર જોડાયા હતા. મ્યુઝીક ગ્રુપના ફિલ્મી ગીત-સંગીત સાથે સાંજે ૬.૦૦ વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઇ હતી. શાલ ભેટ આપનાર કિરીટભાઇ તથા સુલોચનાબહેનના વરદહસ્તે સૌને શાલ અર્પણ કરવાનું સંસ્થાના ચેરમેન મુકેશભાઇ પટેલનું આયોજન હતું પરંતુ સંજોગોવશાત કિરીટભાઇ પહોંચી નહિ શકતાં લગભગ ૭.૦૦ વાગ્યા પછી દીપ પ્રાગટય સાથે સન્માન કાર્યક્રમની આરંભ થયો હતો. સમાજનાં ટ્સ્ટી દક્ષાબહેન પટેલે સૌનું અભિવાદન કરી સૌને કાવ્યાત્મક રીતે નૂતનવર્ષની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ કોકિલાબહેન પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સત્તાવીશ પાટીદાર સમાજના સંઘર્ષમય ઇતિહાસના સાક્ષી અને પીઢ કાર્યકર મુરબ્બી મનુભાઇ ઝવેરભાઇ (પાળજ)એ એમનું મંતવ્ય રજુ કરતાં કહ્યું કે, "આ સમાજના વિવિધ હોદ્દેથી હું ખુબ સક્રિય રહ્યો છું. ડોકટર અરૂણભાઇ તથા હર્ષદભાઇના પ્રમુખપદ હેઠળ પણ મેં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું છે. ૧૯૯૭માં હર્ષદભાઇ પટેલ (ઉમરેઠ) પ્રમુખ અને ટ્રસ્ટીઓ કિરીટભાઇ (બાકરોલ), નવીનભાઇ ડી. (ચાંગા),ડો. અરૂણભાઇ (બાકરોલ) તથા રમણભાઇ જે.પટેલ (આણંદ) હતા ત્યારે આ ઇમારત માટે જમીન ખરીદવાનું નક્કી થયું હતું. એ વખતે બિલ્ડીંગ પ્રોજેકટના ચેરમેન મુકેશભાઇ (મહેળાવ) હતા.

 આપણી આ ભવ્ય ઇમારતના નિર્માણકાર્ય વેળાએ બિલ્ડીંગ કમિટીની રચના કરવામાં આવી હતી એમાં હરીશભાઇ આઇ.કે. પટેલ (પાળજ)ના નેતૃત્વ હેઠળ ગોવિંદભાઇ (પલાણા), ચુનીભાઇ (ગાડા), રમણભાઇ (આણંદ), સુરેશભાઇ (ચકલાશી) સાથે હું પણ સક્રિય રહ્યો છું. બિલ્ડીંગ કમિટીના સભ્યો સાથે મેં પણ ફંડ ઉઘરાવવા મહેનત કરી છે. આપણે સમાજની આ ઇમારત બાંધવા જે અંદાજિત ખર્ચ હતો એનાં કરતાં કિંમત ખૂબ વધી ગઇ અને સમાજમાંથી જોઇતું ફંડ મળી નહિ શકતાં બેંકની લોન અને હપ્તા ભરવાનું મુશ્કેલ બન્યું. આજે આપણે આ બધી મુશીબતોમાંથી પાર પડી ગયા છીએ. લોન પેટે ઉછીના પૈસા આપનાર સભ્યોને પણ એમની લોન ચૂકવી દેવાઇ છે એ આનંદની વાત છે. આજે આપણો સમાજ એકબીજા વચ્ચેના મતભેદોથી વહેંચાઇ ગયો છે. કોઇ કામ કરતું હોય એને કરવા દો. આપણે મિટીંગોમાં ખાલી ખોટી દલીલો કરી સમય બગાડીએ છીએ. આપણી પાસે આટલી મોટી જગ્યા છે તો સમાજના યુથ, નિવૃત્ત વડીલો, બહેનો એ સૌએ ભેગા મળી પ્રવૃત્તિઓ કરવી જોઇએ. સમાજ સરસ ચાલે છે, એને ચાલવા દો. આપણે તોડવાનું નહિ પણ જોડવાનું કામ કરવાનું છે.”

પૂર્વ પ્રમુખ અને ડિરેકટરીના કન્વીનર તરીકે ફરજ બજાવનાર સુરેશભાઇ એમ. પટેલ (ચકલાશી)એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, "આ સમાજ સાથે હું ૧૯૯૫થી આપણી આ ઈમારતની જગ્યા લીધી ત્યારથી સક્રિય છું. સમાજના હોલ માટે ડોનેશન ઉઘરાવવું એમાં સક્રિય રહ્યો. એ વખતે આપણા સમાજને આ જમીન લેવાના પૈસાની પણ તૂટ પડતી હતી. એવા સમયે ઇન્ડીપેન્ડન્ટ બિલ્ડીંગ કમિટીની રચના કરવામાં આવી. સમાજના પીઢ કાર્યકરો સહિત શ્રી કિરીટભાઈ તથા દિવંગત હરીશભાઈ આઈ. કે. પટેલના સહકાર અને માર્ગદર્શનથી આ બિલ્ડીંગનો પ્રોજેક્ટ પૂરો કરી સમાજને વહેલામાં વહેલા લોકાર્પણ કરી શકાય એ માટે સૌ કટીબધ્ધ બન્યા. સમાજ તરફથી ડોનેશનની જે આશા રાખી હતી એનો જોઈએ તેટલો રીસ્પોન્સ ના મળતા બેંકની મોટી રકમની લોન લઈ બિલ્ડીંગનું બાંધકામ કાર્ય પૂરું કરી લોકાર્પણ કરાયું ત્યાર બાદ સમાજને એક જૂટ થઈ આપણે સક્રિય બનવાને બદલે આ દેવાની જવાબદારી પૂરી કરવાની હતી તેને બદલે સમાજમાં નેગેટીવવૃત્તિને કારણે ફંડ અટકી જતાં બેંકે તકલીફમાં મૂક્યા. પરિણામે ઓવરડ્રાફ્ટની મોટી રકમ જે સમાજ માટે આપવી અશક્ય હતુ ત્યારે ચેરમેન મુકેશભાઈએ તાત્કાલિક મિટીંગ બોલાવી વેલવીશરો તરફથી સહકાર માગતાં તાત્કાલિક ૧ લાખ ઉભા કરી બેન્કની તાત્કાલિક માંગ પૂરી કરાઈ. સમાજને માથે મોટું દેવું હોય અને બેન્ક જપ્તી થવાના સંકટ સમયે જવાબદારી લેવી એ મોટું કામ છે. એ સમયે જ ત્રણ ટ્રસ્ટીઓ રીઝાઇન થઇ જતાં સમાજના ચેરમેન અને બેંક ઉપર પ્રેશર વધ્યું. ત્યારે સમાજનું ડૂબતું વહાણ બચાવવા ચેરમેન મુકેશભાઈ અને એમના ટ્રસ્ટ બોર્ડે પર્સનલ ગેરંટી સાથે બેંકની ૧મિલિયન પાઉન્ડની જવાબદારી લીધી.

આપણા સમાજના કાર્યક્રમો વર્ષે સાત-આઠ થતા હોય ત્યાં બેન્કના હપ્તા ભરવાની જવાબદારી કેવી રીતે પૂરી કરી શકાય. સમાજની આ ઈમારત વર્ષો સુધીના નવરાત્રિ મહોત્સવ દ્વારા એકત્ર કરાયેલા ફંડથી નિર્માણ થયો છે એમ કહી શકાય અને અત્યારે પણ નવરાત્રિ મહોત્સવ દ્વારા દર વર્ષે ખર્ચો કાઢતા ૫૫ હજાર તેમજ વારંવાર સંગીત કાર્યક્રમો યોજીને બીજા લગભગ ૪૫ હજાર એકત્ર કરી સમાજ વર્ષે એક લાખ ભેગા કરે છે. આવા કાર્યક્રમો સમાજના ટ્રસ્ટી જ્યોત્સનાબેન અને એમની લેડીઝ કમિટી દ્વારા યોજાય છે એમાં પણ સમાજના સભ્યોનો પૂરતો સહકાર મળતો નથી.

૨૦૦૯ અને ૨૦૧૫ની ડિરેક્ટરીનો કન્વેનર હું હતો ત્યારે એમાં પણ સમાજે સહકાર આપ્યો નહીં એ દુઃખની વાત છે. દરેક ઘરના સભ્યોએ જો એક એક ડિરેક્ટરી ખરીદવાની ઉત્સુકતા દાખવી હોત તો આપણે સારી એવી આવક ઉભી કરી શકત. આ મુશ્કેલીઓ હોવા છતાં પણ ચેરમેન મુકેશભાઈ અને ટ્રસ્ટ બોર્ડે ૧૫ વર્ષના ગાળા દરમિયાન સમાજની વ્યાજ મુક્ત લોન, ડેવલપમેન્ટ લોન, ક્રાઈસીસ લોન અને લેક્સકોન કન્સ્ટ્રકશનની ૧ મિલિયન પાઉન્ડની લોન સહિત બધી લોનો ભરપાઈ કરી સમાજને આર્થિક સંકટમાંથી ભયમુક્ત કર્યો છે. હવે સમાજને માથે બેન્કની લોનની જ ગેરંટી છે. સમાજને સમયદાન આપીને કામ કરે છે એની ટીકા ટિપ્પણ કર્યા વગર આપણે સૌએ આ સમાજના સૂત્રધાર, ચેરમેન મુકેશભાઈ તથા ટ્રસ્ટ બોર્ડને અભિનંદન આપવા ઘટે. જ્યારે આ સમાજની જમીન લેવાઈ ત્યારે સંયુક્તપણે કહેવામાં આવેલું કે આપણે નોર્થઈસ્ટ અને સાઉથ લંડનમાં આપણા હોલ બનાવીશું. આપણી પાસે બધું જ છે, પૈસા છે, મોટો સમાજ છે પણ કશું કરી શક્યા નહી. એનું કારણ આપણી વચ્ચે યુનિટી- સંપ નહીં હોવાના કારણે આપણે સેવેલા સ્વપ્ન સાકાર કરી શક્યા નથી. આપણે જોઇએ તો લોહાણા, જૈનો, કચ્છીઓએ ઠેર ઠેર હોલ બનાવ્યા છે. આપણા નકારાત્મક વિચારોને કારણે મિટીંગો યોજાય ત્યારે એક બીજા ઉપર દોષારોપણ કરી આર્ગીવમેન્ટ કરીએ છીએ એ જોઈ આપણા જ યુવા પેઢીના સંતાનો અમને કહે છે કે તમે મિટીંગોમાં જઇને ત્યાં એકબીજાની ક્રિટીસીઝમ કરો છો, અમારા યંગસ્ટરોનું એમાં કયું ફ્યુચર જોઈ શકીએ? તમે ત્યાં જઈ આર્ગીવમેન્ટ કરીને ટાઇમવેસ્ટ કરો છો!! આપ સૌને મારું નમ્ર નિવેદન છે કે આપણે સાથે મળી પોઝીટીવ વિચારો સાથે યુવા પેઢીને જોડવાની જરૂર છે. ભવિષ્ય માટે તમે યુવાનોને તૈયાર નહી કરો તો આ ઈમારતો ઊભી કરવાનો અર્થ શું? આપણે સૌએ હવે મતભેદો ભૂલી સાથે મળી પોઝીટીવ વિચારો અને વાતાવરણ સાથે યુવાનોને જોડવાની જરૂર છે. આપણે હવે બોનસ લાઈફમાં જીવીએ છીએ. આવા આપણા ચેરમેનને અને ટ્રસ્ટ બોર્ડને ધન્યવાદ આપી બિરદાવવા જોઈએ. સમાજ ચલાવવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ સૌએ સમજી સહકાર આપવો જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે".

સુરેન્દ્રભાઇ પટેલ (અલીન્દ્રા)એ જણાવ્યું કે, “હું પણ આપણા આ સમાજ સાથે ખૂબ સક્રિય રહ્યો છું. એક એકરની વિશાળ જગ્યામાં બે અદ્યતન સુવિધા સજ્જ હોલ બનાવવાની યોજનાને બદલે ત્રણ મજલાની અત્યાધુનિક ઇમારતની યોજના અમલી બની જેના નિર્માણકાર્યનો ખર્ચ ૯ મિલિયન પાઉન્ડ ઉપરાંત ૪.૬ મિલિયન બાર્કલેઝ બેંકની લોન લેવામાં આવી. સાથે ઇમારતનું નિર્માણ કરનાર લેક્સકોન કન્સટ્રકશન ગ્રુપનો ખર્ચ £૧ મિલિયન હતો. ૨૦૦૪ના જૂનમાં આ ભવ્યાતિભવ્ય ઇમારતનું વિધિવત લોકાર્પણ કરાયું. પરંતુ લાંબા સમય સુધી સમાજના ખાતામાં કોઇ આવક નહિ આવતાં સમાજના ટ્રસ્ટીઓ અને પ્રમુખ અન્ય હોદ્દેદારો અને બિલ્ડીંગ કમિટી ચિંતિત બન્યા. બેંકના દેવાનું મીટર ઝડપથી ચડતું જતું હતું. મેં પણ ૨૫૦૦૦ પાઉન્ડની લોન આપી હતી એટલે મને તો એમ જ થતું હતું કે મારી આ રકમ વાઇપ આઉટ થઇ જવાની છે. ૨૦૦૪ના સપ્ટેમ્બરમાં મુકેશભાઇ પટેલના પ્રમુખપણા હેઠળ નવી કમિટી સક્રિય બની. એ વખતે બેંકની લોન ઉપરાંત સમાજના સભ્યોની લોન અને લેકસ્કોન ગ્રુપના ૧ મિલિયન સહિત લગભગ આઠ મિલિયન પાઉન્ડનું દેવું હતું. એવા સમયે સમાજની ઇન્કમ ઝાઝી નહોતી, ડોનેશન જોઇએ એટલા મળતા નહોતા પરિણામે બેંક લોન લેવી પડી. ૨૦૦૮-૯માં બેંકોનું વધતું જતું હતું એવા સમયે ત્રણ ટ્રસ્ટીઓ રીઝાઇન થઇ જતાં ટ્રસ્ટ બોર્ડ તૂટી ગયું. આવા વખતે બાર્કલેઝ બેંક એમના લીકવીડેટરને લઇ આવ્યા હતા. ત્યારે મુકેશભાઇએ તાત્કાલિક સમાજના અગ્રણીઓની મિટીંગ બોલાવી હતી અને બેંકે આપેલ ૧૫ દિવસમાં એક લાખ પાઉન્ડ ઉભા કરી બેંક સાથે નેગોસીએશન શરુ કર્યું હતું, મુકેશભાઇના પ્રમુખપણા હેઠળના ટ્રસ્ટ બોર્ડે એક મિલિયનની પર્સનલ ગેરંટી આપી સમજો કે સળગતું ઘર લીધું હતું. આપણો સમાજ સબળ બન્યો છે ત્યારે સમાજને વિભાજીત કરવા કેટલાંક નકારાત્મક પરિબળો સક્રિય બન્યા છે એ અત્યંત દુ:ખની વાત છે.”
સમાજ સાથે વર્ષો સુધી સક્રિય રહેલા અમૃતલાલ પટેલ (પલાણા)એ મંચ પરથી જણાવ્યું કે, “અન્ય સમાજો કરતાં આપણી પાસે વેમ્બલીની મોખાની જગ્યાએ સમાજ પાસે પોતાનું મકાન છે. અહીં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ એમ છે. બીજા સમાજોમાંથી આપણા આ હોલમાં લગ્નો અને રિશેપ્સનો થાય છે ત્યારે આપણે લોકો ફાઇવ સ્ટાર હોટેલો અને બીજા ઠેકાણે લગ્ન સમારંભો કરીએ છીએ. સમાજના એક હોદ્દેથી નીકળી જઇએ પછી બીજા ગ્રુપો સાથે બીજી સંસ્થા ઉભી કરીએ છીએ, ચેરિટીઓ કરીએ છીએ. બીજા કામ કરતા હોય એમાં અસંતોષ વ્યક્ત કરવો, ખોડ-ખામીઓ કાઢવી એ સમાજના સભ્ય તરીકે શોભાસ્પદ ગણાય નહિ. આપણું જોઇ નવી પેઢી શું શીખશે. મિટીંગોમાં થતા વાદ વિવાદને જોઇ જુવાનિયા સમાજમાં રસ લેતા નથી. આવા આપણા ચેરમેન અને ટ્રસ્ટબોર્ડના કામની પ્રસંશા કરવી જોઇએ અને મારા મતે ખરેખર તો એમનું સન્માન કરવું ઘટે.”

 સમાજના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ સમિતિ સભ્ય કોકિલા પટેલે (આણંદ) કહ્યું કે, “આજનો દિવસ સમાજ માટે એક ઐતિહાસિક અને આવનાર ઉજ્જવળ ભાવિના શુભ સંકેત સમો ગણી શકાય. અત્રેના સમસ્ત પાટીદાર સમાજોમાં સૌથી વધુ જનસંખ્યા અને પોતાનું ઘર કહી શકે એવી ભવ્ય ઇમારત ધરાવતી એક માત્ર સંસ્થા એ આપણું શ્રી ૨૭ પાટીદાર સમાજ કહી શકાય. વેમ્બલી પાર્કની આ મોખાની જગ્યામાં સાકાર થયેલી ભવ્યાતિભવ્ય ઇમારત બ્રેન્ટ કાઉન્સિલ સહિત લંડનની તમામ જાતિ-જ્ઞાતિ અને ધાર્મિક આધ્યાત્મિક અને સામાજિક સંસ્થાઓ માટે લોકપ્રિય બની રહી છે. ઉપસ્થિત મોટા ભાગના આપ સૌ આ ઈમારતને સાકાર કરવા માટે તન, મન અને ધનથી યથાશક્તિ યોગદાન આપ્યું છે. મિલિયન્સ ઓફ પાઉન્ડના ખર્ચે તૈયાર થયેલી આ ઈમારતનું નિર્માણ કરતાં કેટલા વીસે સો એટલે કે કેવી આર્થિક મુશ્કેલીઓ ઊભી થયેલી એ પણ આપ જાણો છો. સમાજના કર્મઠ, સેવા સમર્પિત વડીલો અને સભ્યોએ પોતપોતાના ગામના સભ્યોને ઘરે ઘરે જઈ લોન અથવા દાન દ્વારા ધનરાશિ મેળવવા અથાક મહેનત કરી છે. ઉપરાંત આપણા સમાજના ઉદારમના દાનેશ્વરોએ પણ નોંધપાત્ર અનુદાન આપ્યું છે. તેમ છતાં આ ઇમારતના નિર્માણકાર્યનો ખર્ચ ધાર્યા કરતાં વધી જતાં સમાજને માથે દેવાની તલવાર લટકતી હતી. શરૂઆતમાં બેન્કના હપ્તા કેવી રીતે ભરવા એની સમાજના ચેરમેન અને હોદ્દેદારોને ચિંતા રહેતી. આવા કપરાકાળમાંથી આપણે પસાર થઈ રહ્યા હતા ત્યારે બહારના સમાજોમાં અફવાઓ વહેતી થઈ કે સત્તાવીશ પાટીદારનું મકાન બેન્ક જપ્ત કરવાની છે. મને પણ અન્ય સમાજના એક વડીલે મને આ અંગે પૃચ્છા કરેલી. આવી કટોકટીભર્યા સમયે એક રાત્રે મને યાદ છે કે અર્જન્ટ મિટીંગ બોલાવી સમાજના કેટલાક સભ્યોએ લોન અથવા દાનપેટે ધનરાશિ ફાળવી સમાજને ટેકો આપ્યો હતો. લગભગ ૨૦૦૯માં બાર્કલેઝ બેંકના એડમ કાસેલ અને લીક્વીડેટર ગ્રાન થોર્નટન આ ઇમારતની જપ્તીની નોટિસ લઈને આવ્યા હતા. સમાજની આબરૂ હોડ પર લાગી હતી, બળતું ઘર કોઇને હાથમાં લેવું ન હતું. એ વખતે મુકેશભાઈ અને એમના ટ્રસ્ટીઓએ બેન્કને એક મિલિયન પાઉન્ડની પોતીકી એસેટ્સ પર ગેરંટી આપી સમાજની આબરૂનો ધજાગરો થતો રોક્યો હતો. અત્યારે સમાજની આ ઈમારત અન્ય જ્ઞાતિ, ધર્મ કે જાતિ દ્વારા યોજાતા કાર્યક્રમો દ્વારા સતત બીઝી રહે છે, ભાડુ પણ સારું મળે છે સાથે સાથે ઇમારતને ઘસારો પડતાં મરામતનો ખર્ચ પણ એટલો જ આવે છે. ઉપરાંત સમાજના સભ્યોએ કપરાકાળમાં લોનરૂપે જે મદદ કરી હતી એ પણ ગત વર્ષે મુકેશભાઈના વહીવટીકાર્ય દરમિયાન સૌને ચૂકવાઈ ગઈ છે એ આનંદ અને સરાહનીય કહી શકાય.

પાંચ-છ વર્ષ પહેલાં જ નોર્થ લંડનના લોહાણા સમાજે સાઉથ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટર ખુલ્લું મૂક્યું ત્યારે પત્રકાર તરીકે મને આમંત્રિત કરી હતી. એ ઈમારતના લોકાર્પણ વખતે લોહાણાઓ એક પછી એક હજારો પાઉન્ડની રકમ દાનમાં લખાવતાં સાંભળી એ સમાજની કોમપરસ્તી પર માન ઉપજ્યું. એ લોહાણા સમાજના નિવૃત્ત વડીલો, પ્રોફેશનલ, યુથ, મહિલા મંડળ બધા જ પોતપોતાની શાખામાં રસ લઈ સંસ્થાને સતત ધબકતી રાખે છે. આપણે સૌએ લોહાણા, કચ્છીઓ તેમજ કડવા પાટીદારોના સમાજમાંથી ઘણું શીખવાની જરૂર છે. દરેક સંસ્થામાં મતભેદ હોઈ શકે મનભેદના ના હોવા જોઈએ. આપણો સમાજ દેવાના ડુંગર નીચે દબાયેલો હતો ત્યાં જ કેટલાક મતભેદો એ નકારાત્મકતાનું વરવું રૂપ લઈ લીધું પરિણામે સામાજિક કાર્યો અને વિકાસ રૂંધાતો ગયો. જે સ્વપનો સાથે આપણા વડીલોએ બીજ રોપ્યું હતું એના પાયામાં જ લૂણો લાગ્યો. આ સમાજ મારો, તમારો અને આપણા સૌનો છે. એ કોઈ એક વ્યક્તિનો નથી. જે કામ કરે છે, એને બિરદાવવું જોઈએ. ખોટું થતું હોય ત્યાં મોઢું ફેરવી ઉપેક્ષા કરવી કે દ્વેષભાવ ત્યજી પ્રેમથી સહકારથી હળીમળીને સકારાત્મક પરિણામ મેળવવા પ્રયત્નશીલ રહીએ તો જ સાચા સમાજ સેવક બનીએ.
આપણા સમાજના પાયામાં એની પ્રગતિમાં તન, મન, અને ધનથી જેઓએ નિઃસ્વાર્થ ભાવે સમય અને સેવા સમર્પિત કરી છે એ સૌ સભ્યોનું આજે સમાજ સન્માન દ્વારા ઋણ ચૂકવી રહ્યો છે ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી કે આવો આપણે સંગ સંગ ભેરુ તો સર થાય મોરું એ ઉક્તિ અનુસાર સાથે મળી સમાજને સેવા અને સમૃધ્ધિના સર્વોચ્ચ શિખરે લઈ જઈએ.

આપણા સમાજને દેવા મુક્ત કરવા સતત પ્રયત્નશીલ મુકેશભાઈ અને એમનું ટ્રસ્ટી મંડળ મ્યુઝિકલ કાર્યક્રમોનું તેમજ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરી વર્ષે એકલાખ પાઉન્ડ ફંડ એકત્ર કરે છે અને સૌથી વધુ મહત્ત્વનું એ કે સમાજની ઇમારતમાં બાર્કલેઝ બેન્કના લીક્વીડેટરોને એક મિલિયનની પોતાની ગેરંટી આપી પાછા મોકલ્યા અને સમાજની શાન બચાવી એ બદલ ચેરમેન મુકેશભાઈને ધન્યવાદ આપવા ઘટે. આજે આપણા સમાજના મોભી શ્રી કિરીટભાઈ અને શ્રીમતી સુલોચનાબેન તરફથી શાલ ભેટ કરવામાં આવી છે. આવા દાતાશ્રીઓ સમાજને પડખે રહેશે તો એની ઈંટ કોઈ ખેરવી શકશે નહીં.”

“ગુજરાત સમાચારના તંત્રીશ્રી સી.બી. પટેલે કહ્યું કે, “લંડનમાં ઘણી બધી ગુજરાતી સંસ્થાઓ છે એમાં કડવા પટેલ સિવાય અન્ય કોઇ પટેલ સંસ્થા સાથે આટલી ભવ્ય અને વિશાળ ઇમારત નથી. આ સમાજનો પાયો નાખનાર ધૂરંધરો મશરૂફૂ, કે.એસ. પીઝેડ એ સૌ સાથે મારો ઘનિષ્ઠ નાતો. આજે એમને જોયેલું સ્વપ્ન તમે સૌએ સાકાર કર્યું છે. વેમ્બલીની મોખાની જગ્યાએ આવેલી આ ઇમારતની કિંમત ખૂબ વધી ગઇ છે. સમાજ માથે આર્થિક કટોકટી ઝઝૂમતી હતી એવા સમયે સમાજના ચેરમેન તરીકે મુકેશ પટેલે જે હિંમતથી હામ ભીડી સમાજને આર્થિક સંકટમાથી બહાર લાવ્યા છે એ અભિનંદને પાત્ર છે. મારાથી ઉંમરમાં યુવાન મુકેશની હિંમત અને ઇશ્વર પ્રત્યેની અપાર આસ્થા જોઇ હવે હું તેમને મુકેશભાઇ કહીને બોલાવીશ.”

 કોકિલાબેનના વક્તવ્ય બાદ ચેરમેન મુકેશભાઇ અને એમના ટ્રસ્ટબોર્ડને મંચ પર બોલાવ્યા હતા અને સૌએ ઉભા થઇ તાળીઓથી વધાવ્યા હતા.
૧૪ વર્ષના કપરાકાળમાં અમે સામા વહેણે તર્યા:

બધાના મંતવ્યો સાંભળ્યા પછી મુકેશભાઇ કહ્યું કે, “૨૦૦૪ના સપ્ટેમ્બરથી ૨૦૧૮ સુધી અમે વિકટ પરિસ્થિતિમાં ભગવાનશ્રી રામે ૧૪ વર્ષના વનવાસ ભોગવ્યા જેવું હતું. ભગવાનશ્રી રામ પાસે તો પવનસૂત હનુમાનજી હતા પણ અમારી પાસે તો કોઇ ભીડ ભાંગે એવું કોઇ હતું નહિ! પરંતુ દ્રઢ આત્મ વિશ્વાસ અને ટ્સ્ટ બોર્ડ (કમિટી)ના અદભૂત સહકારથી અશક્ય હતું એ શક્ય બની શક્યું. આ ઉપરાંત આ કપરાકાળમાં મારી આદ્યશક્તિ ઉપરની અતૂટ શ્રધ્ધાએ પણ મને અડગ રાખ્યો છે. શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજ (યુરોપ)ના કુલ ૬૬ ગામોના ૪,૫૦૦થી વધુ ફેમીલી યુ.કે.મા વસે છે. સૌનો સાથ સૌનો વિકાસ એ ભાવના હૈયે રાખી હોત તો ટ્રસ્ટ બોર્ડે બેંકને એક મિલિયનની ગેરંટી આપવાની જરૂરત ના પડત.

અલીન્દ્રા ગામના પરિમલભાઇ પટેલે પોતે સેન્ટ્રલ લંડનમાં ફૂલટાઇમ જોબ કરતા હોવા છતાં બે દિવસ સમાજને ફાળવી "અદ્વૈત" (હાલના સત્તાવીશ પાટીદાર) સેન્ટરનો વહીવટ હાથમાં લીધો.સમાજને સૌથી મોટી આવક નવરાત્રિ મહોત્સવ દરમિયાન થાય છે. આ ઉપરાંત ટ્રસ્ટ બોર્ડ અને મહિલા સભ્યો જ્યોત્સનાબેન તથા અન્ય બહેનો મનોરંજક કાર્યક્રમો ગોઠવી સમાજને વર્ષે ૧ લાખનું ફંડ એકત્ર કરી આપે છે.

ચેરમેન મુકેશભાઇએ જણાવ્યું કે, “૨૦૦૪થી ૨૦૧૮ દરમિયાન સમાજની અમે જે આર્થિક જવાબદારી લીધી હતી એની ખૂબ વ્યાધિ થતી હતી. મેં અને મારા ટ્રસ્ટીમંડળે સમાજ પ્રત્યે અમારી ફરજ સમજી પરિવારના ભોગે, અમારા પોતાના સમયનું દાન આપી આ ભગીરથ કાર્ય પૂરૂ કરવા કમ્મરકસી છે. નકારાત્મક પરિબળો સામે અમે સામે વહેણે તર્યા, અમે ડગ્યા નહિ. ૨૦૧૭માં અમે બીજી લોયડ બેંક સાથે મસલત કરી વધુ લોન લીધી અને પ્રમુખ તરીકે મેં અને મારા ટ્રસ્ટ બોર્ડે ૧૫ વર્ષની ગેરંટી આપી ૩.૫ મિલિયનની લોન લીધી. એ સાથે અમે જે સભ્યોએ રાતોરાત સમાજની શાન-માન જળવાઇ રહે એ ભાવના સાથે પર્સનલ લોન આપી હતી એ તમામ લોન અને લેક્સકોન કન્સ્ટ્રકશનના બાકી રહેલા £૮૦,૦૦૦ એ તમામ તા.૩૦ જુલાઇ ૨૦૧૮માં ભવ્ય સમારોહ યોજી ચેક દ્વારા ભરપાઇ કરી સૌને ઋણ મૂક્ત કર્યા. મુકેશભાઇએ સમાજને નિ:સ્વાર્થ, વિનામૂલ્યે કાનૂની સેવા આપનાર કાયદાશાસ્ત્રી વિનિતભાઇ એ. પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

 તેમણે કહ્યું કે, “સમાજના સભ્યોએ અનેકવિધ કાર્યક્રમોમાં ભાગ લઇ યથાશક્તિ આર્થિક મદદ કરી છે. આપ સૌ સભ્યો સેન્ટરમાં થતા નવરાત્રિ મહોત્સવ, દિવાળી ઉત્સવ, મનોરંજક કાર્યક્રમોમાં હર્ષભેર આવી સહયોગ આપો તો આપણો સમાજ અને આ સેન્ટર તમામ રીતે સક્રિય અને સધ્ધર બનશે. આ પ્રસંગે દર વખતની જેમ "સવેરા કેટરર્સ"ના કાન્તિભાઇ પટેલ તરફથી વિના મૂલ્યે ભોજન પીરસવામાં આવ્યું હતું. વર્ષોથી સમાજને વિના મૂલ્યે સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડનાર કાન્તિભાઇનો સહ્દય આભાર વ્યક્ત કરી મુકેશભાઇએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. એ દિવસે લગભગ ૭૫થી વધુ સમાજ સેવકોને પૂર્વ ટ્રસ્ટી વિરેન્દ્રભાઇ પી. ઝેડ પટેલના હસ્તે શાલ અર્પણ કરી સન્માન કરાયું હતું. સમાજના ઉપસ્થિત વડીલો અને સેવકોએ મુકેશભાઇના કાર્યને બિરદાવી એમનું હેરો ઇસ્ટના MPબોબ બ્લેકમેન અને અંજના પટેલના હસ્તે શાલ ઓઢાડી સન્માન કર્યું. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ કાળા માથાના દરેક માનવીથી થઇ શકે. આપણે ભૂલ તરફ અંગૂલિનિર્દેશ કરી સુધારી શકાય સભામાં એવો સૌનો સૂર હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter