લંડનઃ કચ્છના ભૂજસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧ લાખ રૂપિયા દાનમાં અપાયા છે. સમગ્ર ભારતની સાથે ગુજરાતમાં પણ કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા તથા દર્દીઓની સારવાર માટેની કામગીરીમાં સહાય થવા માટે આ રકમ દાનમાં અપાઈ છે. આ બાબતે સંસ્થા દ્વારા એક યાદીમાં જણાવાયું હતું કે કોરોના વાઇરસની આ આપત્તિના કપરા કાળમાં ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર હંમેશાં દેશ સેવા માટે કટિબદ્ધ છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વજીવ હિતાવહનો સંદેશ અને આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓની સર્વે સન્તુ નિરામયાની ઉમદા ભાવનાને ભુજ મંદિરે હંમેશાં કેન્દ્રસ્થાને રાખી છે. કોરોના જેવી મહામારીને પરાસ્ત કરીને સામાન્ય જનજીવન સ્વસ્થ કરવા હેતુ ભુજ મંદિરના મહંત સ.દ.પૂ. સ્વામી ધર્મનંદનદાસજી સહિત ભુજ મંદિર તથા કચ્છના અન્ય સ્વામિનારાયણ મંદિરોના સંતો- સ્વામી તથા ટ્રસ્ટીમંડળ દ્વારા દેશ સેવા સ્વરૂપે આ રકમ દાનમાં અપાઇ છે.