લંડનઃ શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન કોરોના વાઇરસ મહામારીને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં સેવાકાર્ય માટે આગળ આવ્યું છે. સંસ્થા દ્વારા દરરોજ ૧૮ ટન જેટલા તાજા ફળ અને શાકભાજીનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ કુંવરજી અરજણ કેરાઈએ જણાવ્યું હતું કે બ્રિટનની ચેરીટી સંસ્થાઓને દરરોજ ૨૦ ટન જેટલાં શાકભાજી અને ફળ વિતરીત થઇ રહ્યાં છે.
આ સેવાકાર્ય માટે કોમ્યુનિટી અગ્રણીઓ તથા સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક સેવાભાવે ફરજ નિભાવે છે. તેમણે કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ અને મંદિરના સંતો તરફથી મળેલી પ્રેરણાથી તેઓ આવા કપરા સમયે પણ જરૂરિયાતમંદો અને ખાસ કરીને અશક્ત તથા વૃદ્ધજનોને શાકભાજી અને ફળ પહોંચાડી રહ્યાં છે. કારણ કે અનાજ તો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે પણ ફળ અને શાકભાજી માટે બહાર નિકળવું શક્ય નથી ત્યારે ઘેરબેઠા ફળ-શાકભાજી પહોંચાડવામાં આવી રહી છે.