લંડનઃ શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસને લઇને સર્જાયેલી વર્તમાન પરિસ્થિતમાં જાહેર આરોગ્યની સલામતી માટે મંદિરમાં યોજાનારા તમામ જાહેર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે. મંદિર દર્શન માટે રાબેતા મુજબ ખુલ્લું રખાશે. સવાર અને સાંજના સમયની તમામ સભાઓ આગામી સૂચના સુધી રદ કરી છે. મંદિરે આવનારા દર્શનાર્થીઓ તથા મુલાકાતીઓને અનુરોધ કરાયો છે તેઓ શક્ય એટલી ઝડપથી દર્શન કરીને રવાના થાય. મંદિર દ્વારા યોજાતી ફિટનેસ, યોગા, શુક્રવાર યુવક મંડળ સહિતની તમામ પ્રવૃત્તિઓ હાલ રદ કરાઈ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર ભગવાન ઘનશ્યામ મહારાજના ઓનલાઇન દર્શન www.sstw.org.uk કરી શકાશે. મંદિરે તેના ભક્તોને અપીલ કરી છે કે, તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ન કરે તેમજ રાષ્ટ્રીય હેલ્થ સર્વિસ (એન.એચ.એસ.)ની ગાઇડ લાઇનનું પાલન કરે.