લંડનઃ મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા રવિવાર 9 જુલાઈએ કોમ્યુનિટીને એક સાથે લાવવા અને જીવન પર પોઝિટિવ અસર સર્જવાના આશય સાથે ચેરિટી માટે હજારો પાઉન્ડ એકત્ર કરવાના અભિયાનમાં પ્રથમ સમર ફેરનું આયોજન કરાયું હતું જેમાં, ટેમ્પલ અને સ્થાનિક કોમ્યુનિટીના 1700થી વધુ લોકોએ હાજરી આપી હતી. બ્રેન્ટના મેયર કાઉન્સિલર ઓર્લીન હિલ્ટન, હેરોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર સલીમ ચૌધરી અને બાર્નેટના મેયર કાઉન્સિલર નેગસ નરેનથીરા સાથે આ ત્રણે બરોઝના ઘણા કાઉન્સિલરોએ પણ આ ભવ્ય સખાવત અભિયાનમાં ભૂમિકા ભજવી હતી.
30થી વધુ સ્થાનિક બિઝનેસીસ દ્વારા સ્પોન્સર કરાયેલા આ સમર ફેરમાં 15,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ લંડન કોમ્યુનિટી માટે ઘરવિહોણા લોકો માટે ખોરાક અભિયાનો તેમજ સ્થાનિક હોસ્પિટલો અને હોસ્પીસીસને દાન આપવાના મંદિર દ્વારા મહત્ત્વપૂર્ણ ચેરિટેબલ હેતુઓ માટે કરવામાં આવશે. દિવંગત આધ્યાત્મિક ગુરુ, વેદ રત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજની પ્રેરણા અને વર્તમાન આધ્યાત્મિક માર્ગદર્શક આચાર્ય જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજના માર્ગદર્શન હેઠળ મંદિર કોમ્યુનિટી દ્વારા સમય, પ્રયાસો અને દાનની સરવાણી વહે છે.
આ ઈવેન્ટમાં તમામ વયજૂથ માટે રોમાંચક રમતો અને એક્ટિવિટીઝ તેમજ પેઈન્ટિંગ અને મહેંદીના સ્ટોલ્સનો સમાવેશ કરાયો હતો. વિશ્વપ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ અને ડાન્સ એકેડેમીના પરફોર્મન્સીસે લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. આ રંગીન, સુમધુર સંગીતસભર અને સાંસ્કૃતિક ઈવેન્ટમાં વિવિધ પ્રકારના ભારતીય સ્ટ્રીટ ફૂડ અને પીણાંઓની રેલમછેલ રહી હતી.