લંડનઃ શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરીમાં બુધવાર 30 ઓગસ્ટે પવિત્ર હિન્દુ તહેવાર રક્ષાબંધનની ઉજવણી ચાવીરૂપ સર્વિસીસના સન્માન સાથે કરવામાં આવી હતી. કોમ્યુનિટીના વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ જ્ઞાન મહાબોધિ આચાર્ય સ્વામીજી મહારાજના ઉપદેશને અનુસરતા કિંગ્સબરી મંદિરમાં લંડન ફાયર બ્રિગેડ, લંડન એમ્બ્યુલન્સ સર્વિસ, મેટ્રોપોલીટન પોલીસ સર્વિસ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, NHS અને રોયલ એર ફોર્સના પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું.
રક્ષાબંધન તહેવારમાં વિશિષ્ટ સર્વિસસના ઓફિસર્સ દ્વારા સમાજ, કોમ્યુનિટીઓની રક્ષા અને શાંતિની જાળવણી માટે કાર્યરત રહે છે તેમની ભૂમિકાઓને બિરદાવાઈ હતી. ભગવાન સ્વામીનારાયણબાપા સ્વામીબાપાની મૂર્તિઓ સમક્ષ દીપપ્રાગટ્ય પછી રક્ષાબંધન વિધિ કરાઈ હતી. આચાર્ય સ્વામીજી મહારાજે આમંત્રિત ઓફિસર્સ તેમજ બ્રેન્ટ નોર્થ મતક્ષેત્રના સાંસદ બેરી ગાર્ડિનર સહિત ઉપસ્થિત મહાનુભાવોના કાંડા પર રાખી બાંધી હતી. આ રાખી કોમ્યુનિટીના રક્ષણની સત્તાવાર ફરજ દરમિયાન ઈશ્વરનું રક્ષણ મળે તેના પ્રતીકરૂપે હતી.
મુખ્ય મહેમાનપદે બ્રિટિશ આર્મી હેડક્વાર્ટર્સના ડાયરેક્ટર ઓફ ઈન્ફોર્મેશન અને ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર તરીકે 2021માં નિયુક્ત મેજર જનરલ જ્હોન કોલીઅરે સંબોધનમાં બ્રિટિશ આર્મીના હાર્દરૂપ મૂલ્યો હિંમત, શિસ્ત, આદર, એકતા, વફાદારી અને નિઃસ્વાર્થ પ્રતિબદ્ધતાની વાત કરી હતી જે સ્વામીનારાયણ સંપ્રદાયના પણ મૂલ્યો છે. મેટ્રોપોલીટન પોલીસ સર્વિસના બ્રેન્ટ બરો કમાન્ડર ડાન નોલેસે નિઃસ્વાર્થતા, અનુકંપા અને આધ્યાત્મિકતાની સાથે પોલિસીંગ કરવા વિશે જણાવ્યું હતું. આ મૂલ્યો મંદિર કોમ્યુનિટીના ત્રણ સ્તંભો છે જે દિવંગત ગુરુ વેદ રત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજના ઉપદેશોનું પ્રતિનિધિત્વ કરે છે.
રક્ષાબંધનની ઉજવણી સાચા અર્થમાં સામુદાયિક ઈવેન્ટ બની રહી હતી જેમાં આપણી સર્વિસીસ દ્વારા નિઃસ્વાર્થ ફરજ તેમજ એકતા અને રક્ષણના મહત્ત્વ વિશે સહુને યાદ અપાવાઈ હતી. મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનનું વડપણ ભગવાન શ્રી સ્વામીનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને શ્રી સ્વામીનારાયણ ગાદીના વર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિય સ્વામીજી મહારાજ સંભાળી રહ્યા છે.