લંડનઃ બુશીમાં ફાલ્કનર રોડ પર આવેલ શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર મિશન, યુકે કોરોના-૧૯ મહામારી સામે કાર્યરત સંસ્થાઓેને £ ૧,૦૦૦ની સહાય આપી રહી છે. 'સપોર્ટ અવર સુપરહિરોઝ' સ્કીમના સમાપનને પગલે SRMDસંસ્થા વોલન્ટિયરની મદદ તેમજ આર્થિક સહાય આપી રહી છે. આ પ્રોજેક્ટ્સ નોર્થવેસ્ટ લંડનના વોટફર્ડ, હર્ટ્સમીયરમાં ચાલે છે.
કોવિડ મહામારી દરમિયાન આ આધ્યાત્મિક સંસ્થાના સભ્યો સાઉથવેસ્ટ હર્ટફર્ડશાયર અને નોર્થ વેસ્ટ લંડનના અગ્રણી વર્કરોને મદદ કરી રહ્યા છે. દસ અઠવાડિયાના ગાળામાં વોટફર્ડ જનરલ અને રોયલ નેશનલ ઓર્થોપેડિક હોસ્પિટલ સહિતની સંખ્યાબંધ હોસ્પિટલો તેમજ સ્કૂલો, કેર હોમ્સ, સુપર માર્કેટ્સ, બિઝનેસીસ અને ફૂડ બેંક્સ જેવા કોમ્યુનિટી સ્થળોએ સેવા આપી રહેલા ૧૧,૫૦૦થી વધુ અગ્રણી વર્કરોને નાસ્તા સાથેના ગ્રેટિટ્યુડ પેક્સ મોકલી અપાયા હતા. સુપરહિરોઝ સ્કીમના ભાગરૂપે સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ પર #GreatWallofGratitude રચાયું છે. તેના પર દેશમાંથી સેંકડો લોકો તેમના મેસેજિસ વીડિયો અને તસવીરો અપલોડ કરી રહ્યા છે.
શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર યુકેના ટ્રસ્ટી અશ્વિન મહેતાએ જણાવ્યું હતું કે સપોર્ટ અવર સુપરરહિરોઝ અભિયાનના ભાગરૂપે ત્રણ સ્થાનિક પ્રોજેક્ટ્સને મદદ કરવાની અમારી યોજના છે. કોવિડ - ૧૯ રાહત પ્રવૃત્તિઓને સહાયમાં સંકળાયેલી સંસ્થાઓ અમરો સંપર્ક કરીને રજૂઆત કરશે તો અમે તેમને સહાય પૂરી પાડીશું. તેનાથી તેમને ઘણો ફરક પડશે.
કોઈપણ સંસ્થા અમારી પાસેથી £ ૧,૦૦૦ની સહાય મેળવવા ઈચ્છતી હોય તો તેમણે વેબસાઈટ www.supportoursuperheroes.com
પર જઈને ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધીમાં અરજીપત્ર ભરવાનું રહેશે.