એનાહૈમ હિલ્સ, કેલિફોર્નિયાઃ ભારતના ગુજરાતના ધરમપુરમાં વડું મથક ધરાવતી વૈશ્વિક માન્યતાપ્રાપ્ત બિનનફાકારી સંસ્થા શ્રીમદ રાજચંદ્ર લવ અન્ડ કેર (SRLC–USA) દ્વારા 21 ઓક્ટોબરની સાંજે કેલિફોર્નિયાના એનાહૈમ હિલ્સ ગોલ્ફ કોર્સ ખાતે આયોજિત ભવ્ય ઈવેન્ટમાં 2.1 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના સ્થાપક અને એમ એસ ઈન્ટરનેશનલ ઈન્ક.ના નિવૃત્ત સ્થાપક મનુભાઈ શાહે 1 મિલિયન ડોલરનું દાન આપવાની જાહેરાત કરી હતી. માત્ર 30 મિનિટના ગાળામાં ઘણા લોકોએ દાનની જાહેરાતો કરીને SRLCના મિશન ‘જીવમૈત્રીધામ’ પ્રોજેક્ટ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શ્રીમદ રાજચંદ્ર લવ અન્ડ કેર (SRLC)ના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અમેરિકાના જૈન અને અન્ય સમાજોમાં ભારે પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા ધરાવે છે. સંસ્થાનો ‘જીવમૈત્રીધામ’ પ્રોજેક્ટ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ તેમજ માનવી અને પ્રાણીઓ વચ્ચે ખાઈ પૂરવાના સેતુ બની રહેવાનું લક્ષ્ય ધરાવે છે. આ પ્રોજેક્ટ પ્રાણીઓ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર તેમજ તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષાની જાળવણી વિશેષ મહત્ત્વ રહે તેવા અહિંસાના આદર્શ કેન્દ્ર બની રહેવા વિશે છે.
ફોનિક્સના ડો. ચિંતન મહેતાએ ઉપસ્થિત ઓડિયન્સને SRLCના કાર્ય તેમજ ‘જીવમૈત્રીધામ’ પ્રોજેક્ટ વિશે સમજ આપી હતી. SRLCની પહેલોને સપોર્ટ કરનારા ઘણા લોકો સંસ્થાની કામગીરી અને જીવદયા પર ભાર મૂકનારા નવા પ્રોજેક્ટ વિશે અપડેટ મેળવવા ઉત્સુક હતા.
ઈવેન્ટના મુખ્ય યજમાન મહેશ વાઢેરે જરૂરિયાતમંદો પ્રત્યે નિષ્ઠા અને સમર્પણભાવ દર્શાવનારા મનુભાઈ શાહનો પરિચય આપ્યો હતો. ઓડિયન્સમાંથી ઘણા સભ્યોએ ‘જ્યોત સે જ્યોત જલાતે ચલો’ના સમધુર વીડિયોના પ્રદર્શનની સાથે જ દીપ અને મિણબત્તી લઈને નૃત્ય કરી આશ્ચર્યજનક પરફોર્મન્સ આપ્યું હતું.
અગાઉ, સુંદર રીતે સજાવેલા બોલરૂમમાં મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને નવકાર મંત્રની પવિત્ર જૈન પ્રાર્થના સાથે ઈવેન્ટનો આરંભ થયો હતો. ઈવેન્ટના ઉદ્ઘોષક બિરેન મહેતાએ તમામ ઉપસ્થિતોને આવકારી દીપ પ્રાગટ્ય કરવા સર્વશ્રી નવનીત ચુઘ, ડો. અનિલ શાહ, ડો. ભરત પટેલ, ડો.નીતિન શાહ અને મહેશ વાઢેરને મંચ પર આમંત્રિત કર્યા હતા. ઈવેન્ટમાં Jupiter360 ફાઉન્ડેશનના સ્થાપક અને સીઈઓ વંદના તિલકે ધરમપુરની તેમની મુલાકાત વિશે જાણકારી આપી હતી. આ પ્રવાસમાં તેમણે દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા હજારો લોકોના જીવન પર SRLCના કાર્યની પરિવર્તનકારી અસર અનુભવી હતી તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ ઈવેન્ટમાં યુવા નૃત્યાંગના વિનાઈની દ્વારા બોલીવૂડના લોકપ્રિય ગીતો પર આધારિત ક્લાસિકલ નૃત્ય પરફોર્મન્સ પણ રજૂ કરાયું હતું. પરોપકારિતા અને એકતાનું દર્શન કરાવનારી આ સાંજના સમાપને સહુ ઉપસ્થિતો સ્વાદિષ્ટ ભોજન માણી છૂટા પડ્યા હતા.