લંડનઃ કોરોના મહામારીના ‘સુપરહિરોઝ’ને સહાય કરવાના બુશી સ્થિત શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર યુકેના અભિયાનનો અંત આવતા ત્રણ સંસ્થાઓને દરેકને એક-એક હજાર પાઉન્ડ મળીને કુલ ૩,૦૦૦ પાઉન્ડ અપાયા હતા. સંસ્થાએ છેલ્લાં થોડાં મહિના દરમિયાન સ્કૂલો, હોસ્પિટલો, અને સુપરમાર્કેટ સહિત સેંકડો સ્થળોની મુલાકાત લઈને ત્યાંના મુખ્ય કર્મચારીઓને કેર પેકેજિસ આપ્યા હતા.
હવે આ ચેરિટીએ ૩,૦૦૦ પાઉન્ડનું ડોનેશન આપીને ‘સપોર્ટ અવર સુપરહિરોઝ’ અભિયાનનું સમાપન કર્યું છે. વેસ્ટ હર્ટફર્ડશાયર હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટ ચેરિટી રેઈઝ, વોટફર્ડ અને ડિસ્ટ્રિક્ટ મેનકેપ સોસાયટી અને ચિપિંગ બાર્નેટમા નોઆ‘સ આર્ક ચીલ્ડ્રન્સ હોસ્પિસને દરેકને ૧,૦૦૦ પાઉન્ડ મળશે. આ નાણાંથી વોલન્ટિયર પ્રોજેક્ટ અને સ્ટાફ તથા જે લોકોએ સંસ્થાને મદદ કરી હતી તેમને સાધનો અપાશે.
રેઈઝ ખાતેના ફંડેરેઝિંગ ઓફિસર ફ્રેયા હોલિંગ્સવર્થે જણાવ્યું કે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ટ્રસ્ટના સ્ટાફને કપરા સંજોગોમાં કામ કરવું પડ્યું હતું. શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર યુકેએ કરેલી મદદ બદલ આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે આ ફંડ દ્વારા સ્ટાફની મેન્ટલ હેલ્થ અને તબિયત સુધારવા માટે સંખ્યાબંધ ફીટનેસ ક્લાસ શરૂ કરાશે.
વોટફર્ડ એન્ડ ડિસ્ટ્રિક્ટ મેનકેપ સોસાયટીના સપોર્ટ મેનેજર સિમોન ઈવાન્સે જણાવ્યું કે આ નાણાંથી સ્ટાફને નવા યુનિફોર્મ અને થર્મોમીટર જેવી સેલ્ફ કેર આઈટમ્સ પૂરી પડાશે. મહામારી દરમિયાન તેમની ટીમોએ કરેલા સતત કામને લીધે રેસિડેન્શિયલ કેર હોમ્સના અને સપોર્ટેડ લિવિંગ પ્રોજેક્ટ્સના લોકો સલામત, સક્રિય અને ખુશ રહ્યા હતા.
નોઆ‘સ આર્ક ખાતે હેડ ઓફ હોલિસ્ટિક સર્વિસીસના હેડ શાર્લોટ ઓલરિજે જણાવ્યું કે આ ગ્રાન્ટ દ્વારા તેઓ તેમની કેર ટીમને તાકીદે જરૂરી ટ્રેનિંગ પૂરી પાડશે અને હાલની મહામારીમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્ટાફને સાધનોથી સજજ્ કરશે.