ધરમપુરઃ સમાજની અનેક પેઢીઓને પોતાના તત્વબોધ થકી આધ્યાત્મિક જ્ઞાનની સરવાણી આપનારા આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનો ગૃહમંત્રી અમિત શાહે મહામસ્તકાભિષેક કર્યો હતો. અમિત શાહે વલસાડના ધરમપુર ખાતે પવિત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની ગયા શુક્રવારે મુલાકાત લીધી હતી.
મહામસ્તકાભિષેકના પાવન અનુષ્ઠાનમાં ગૃહમંત્રી સાથે પૂ. ગુરુદેવ શ્રી રાકેશજી પણ જોડાયા હતા. તેમણે આ પ્રસંગે રાજચંદ્રજીએ જીવન, વિચારો અને સિદ્ધાંતોને ચરિતાર્થ કરવા બદલ આદરેલા મૂક જ્ઞાનયજ્ઞની પ્રસંશા કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાનો મહામસ્તકાભિષેક કરતી વખતે મને આનંદ અને માનસિક શાંતિની ઊંડી અનુભૂતિ થઇ છે.
હિમાલયની કંદરાઓમાં જઈને ઘણા યોગીઓએ તપ પ્રાપ્ત કર્યા, પરંતુ શ્રીમદ્દજીએ સમાજમાં રહી મોક્ષનો માર્ગ કંડાર્યો એ સંસાર ૫૨ તેમનો બહુ મોટો ઉપકાર છે. હું મહામાનવ અને ઇશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું.
ગુરુદેવ રાકેશજીના આશીર્વચન
પૂ. ગુરુદેવ શ્રી રાકેશજીએ આ પ્રસંગે અમિત શાહને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આપ ભારતીય મૂલ્યો, ભાવનાઓ અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છો. આપના પ્રયત્નોથી દેશ ઉન્નત બને અને સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય એ જ પરમ કૃપાળુ દેવના ચરણોમાં પ્રાર્થના કરું છું.
અહિંસા સેન્ટરનું ભૂમિપૂજન
અમિત શાહના હસ્તે અહીં શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરનો શિલાન્યાસ વિધિ પણ થયો હતો. આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટેનું કેન્દ્ર બની રહેશે. જ્યાં ફોર-ડી ડિજિટલ એક્સપિરિયન્સ સહિતની શૈક્ષણિક અને મનોરંજક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.