લંડનઃ સંગત એડવાઈસ સેન્ટર હેરો દ્વારા 8 મે, સોમવારે વિશેષ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ સંગત વોર્મ બેન્કના પ્લાનિંગ, કામગીરી અને સંચાલનમાં નિઃસ્વાર્થભાવે સેવાની મદદ આપનારા વોલન્ટીઅર્સ અને દાતાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાનો હતો. આ ઈવેન્ટમાં તાજપોશીના પ્રસંગે નામદાર કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાને અભિનંદન પણ પાઠવવામાં આવ્યાં હતાં.
સંગત એડવાઈસ સેન્ટરના અધ્યક્ષ પ્રવીણચંદ્ર રાણપૂરાએ જણાવ્યું હતું કે,‘ દાતાઓ વિના અને વોલન્ટીઅર્સની નિઃસ્વાર્થ સેવાની સક્રિયતા વિના વોર્મ બેન્ક પ્રોજેક્ટનું સફળ સંચાલન અશક્ય હતું. આ મુશ્કેલ સમયમાં સંગત વોર્મ બેન્કના પ્રયત્નો કોમ્યુનિટીને સપોર્ટ કરી રહ્યા છે તે ખરેખર હૃદયસ્પર્શી બાબત છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ શ્રી સી.બી. પટેલને આ પ્રોજેક્ટ વિશે જાણ થઈ તો તુરત જ તેમણે ટીમનો સંપર્ક સાધ્યો હતો અને બીજા જ દિવસે ટીમને 2500 પાઉન્ડનો ચેક મળી ગયો હતો.’
સંગત એડવાઈસ સેન્ટરના સીઈઓ કાન્તિભાઈ નાગડા MBEએ જણાવ્યું હતું કે,‘કોમ્યુનિટીની સેવા કરવી એ સરળ કાર્ય નથી. વોર્મ બેન્ક લોકોને ઠંડીથી બચવા હુંફાળી અને સલામત જગ્યા પૂરી પાડે છે એટલું જ નહિ, સામાજિક આદાનપ્રદાન અને માનસિક સ્વાસ્થ્યને આગળ વધારવા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ ઓફર કરે છે. સામૂહિક કાર્યની શક્તિ અને લોકોની જીવન પર દયાસભર નાના કાર્યોની થતી અસરોનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. વોર્મ બેન્ક પ્રોજેક્ટ થકી 4 મહિનામાં કોફીના 9,648 કપ, બિસ્કિટના 642 પેકેટ્સ અને 3,109 લંચ પૂરાં પાડી શકાયા હતા.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે જણાવ્યું હતું કે, ‘ રાજા ઘણું ઘણું જીવો અને સંગત જેવી સંસ્થાઓ પણ ઘણું ઘણું જીવો. મને યાદ આવે છે કે 1982માં કમિશન ફોર રેસિયલ ઈક્વલિટીએ એવો રિપોર્ટ આપ્યો હતો કે 600 ગુજરાતી સંસ્થાઓ સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય વગેરે ક્ષેત્રોમાં કાર્યરત હતી. તેમાંથી ઘણી તો ચોમાસામાં ફૂટી નીકળતાં બિલાડીના ટોપ કે મશરૂમ્સ જેવી હતી. મારી માહિતી અનુસાર વર્તમાન પરિદૃશ્યમાં ત્રણ નોંધપાત્ર સંસ્થા જોવાં મળે છે. ધાર્મિક ક્ષેત્રમાં BAPS છે, કોમ્યુનિટી સંગઠનની વાત કરીએ ત્યારે SKLPC છે અને બહુલક્ષી સેવાક્ષેત્રમાં સંગત છે.’
વરિષ્ઠ પત્રકાર વિપુલ કલ્યાણીએ જણાવ્યું હતું કે, ‘50 વર્ષ સુધી કોઈ પણ અવરોધ વિના, સાતત્યપૂર્ણ અખબાર ચલાવવું અને તે પણ યુરોપમાં, આ મોટી સિદ્ધિ છે.’ તેમણે ગુજરાત સમાચાર અને સી.બી. પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ ગંભીર અને કલ્પનાબહેન સાંગાણીએ સુમધુર ગીતોની રસલહાણ કરી હતી.