યુગાન્ડાના ડિક્ટેટર ઇદી અમીને એશિયનોને દેશનિકાલનો હુકમ 1972માં કર્યો. 26,000થી વધારે એશિયનો યુકે રહેવા આવ્યા. ઘણા લોકો હેરોમાં આવીને સ્થાયી થયા. હેરોમાં શોપિંગ કરતા અમુક મોટી વયના લોકોને એક પબ્લિક બેન્ચ ઉપર બેઠેલા જોઈને શ્રી કાંતિ નાગડાએ તેમની યુગાન્ડાની ઓળખાણ કાઢીને વાતચીત શરૂ કરી.
ખૂબ જ ચોંકાવનારી માહિતી જાણવા મળી - સંતાનો કામે જતાં હોઈ ત્યારે મા-બાપે ઘરની બહાર રહેવાનું અને સાંજે જ્યારે સંતાનો પાછા આવે ત્યારે તેમણે ઘરે જવાનું. આ વાત કાંતિભાઈએ તેમના મિત્રોને કરી અને ૧૯૭૩માં એંગ્લો-ઇન્ડિયન સર્કલની સ્થાપના કરવાના બીજ રોપાયા.
લોકોને મદદ કરવાના ઉમદા ઉદ્દેશની સાથોસાથ વૃદ્ધો એક હોલમાં મળી શકે તેમજ કલ્ચરલ પ્રોગ્રામ્સ અને ધાર્મિક ઉત્સવો ઉજવવાના હેતુ સાથે આ સંસ્થાની સ્થાપના થઈ. જોતજોતામાં 400થી વધુ લોકોએ સભ્યપદ મેળવ્યું અને એક સભાનું આયોજન થયું. બંધારણ મંજૂર કરાવ્યું. ચૂંટણી પણ યોજી.
આ વાતને આજે 49 વર્ષ વીતી ગયાં છે. સુવર્ણ જયંતીના આરે આવીને ઉભેલી આ સંસ્થાને આજે પોતાનું સેન્ટર, સંગત સેન્ટર પણ છે. હજારો લોકોને સલાહ-માર્ગદર્શન ઉપરાંત તેના માટે વેલ્ફેર બેનિફિટ્સ, હાઉસિંગ સમસ્યાઓ, ઇમિગ્રેશન, છૂટાછેડા, કાઉન્સેલીંગ વગેરે અનેક બાબતે માર્ગદર્શન આપવામાં આવે છે.
સંસ્થાએ વૃદ્ધો માટે હોસ્ટેલ, વેજિટેરિયન Meals-on-Wheelsની શરૂઆત કરી. લાઈબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને પંજાબી ભાષાના પુસ્તકોની સગવડ, કમ્પ્યુટર કલાસીસ, બાળકો માટે ગુજરાતી ક્લાસીસ, વૃદ્ધો માટે અંગ્રેજીના વર્ગો ઉપરાંત ઘણાં કલ્ચરલ પ્રોગ્રામ સહિત હેરોમાં પ્રથમ વખત નવરાત્રિની ઉજવણીની શરૂઆત પણ કરી. ડિસેબલ્ડ લોકો માટે ડે કેર (Day Care)ની શરૂઆત પણ કરેલ. હાલમાં જ કોરોના કાળ દરમિયાન મોટી ઉંમરના માનસિક બીમારીથી પીડાતા લોકોના ઘરે જઈને આઇપેડ આપીને તેને કેમ વાપરવું તેની સગવડ પણ પૂરી પાડી છે.
વેસ્ટ લંડનમાં સંગત સેન્ટર સૌ પ્રથમ સંસ્થા છે, જેને લીગલ સર્વિસિસ કમીશન તરફથી Quality Mark અર્પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, યુકેમાં ચેરિટી સંસ્થાઓમાં Best Accurity Records માટે બીજું સ્થાન મેળવેલું છે. વીતેલા વર્ષો દરમિયાન સંસ્થાને અનેક એવોર્ડ્સ - સન્માન પ્રાપ્ત થયા છે.
કોઈ પણ જાતની ગ્રાન્ટ વગર ચાલતી આ સંસ્થા Sancroft Road, Harrow, HA3 7NSપર છે અને સંસ્થાનો ફોન નંબર 0208 4270 659 છે.