સંસ્કાર નગરી વડોદરા બની તપસ્વી નગરી... ચાતુર્માસમાં ૪૫૦ માસક્ષમણની સામૂહિક તપસ્યાની ઐતિહાસિક ઘટના

તપયાત્રાના વરઘોડામાં ૧૫,૦૦૦ ભાવિકોની મેદની અને પારણામાં ૧૭,૦૦૦નો માનવમહેરામણ ઉમટ્યો..

- જ્યોત્સ્ના શાહ Wednesday 16th August 2023 06:26 EDT
 
 

વડોદરામાં ચાતુર્માસ માટે પધારેલ ૫.પૂ. આચાર્ય રાજરત્ન સૂરિશ્વરજી મહારાજ અને રશ્મિરત્ન મહારાજશ્રીની નિશ્રામાં તપ અને સાધનાના મહાત્મયે વિક્રમ સર્જ્યો. જ્યાં વર્ષે ૧૫-૨૦ માસક્ષમણની તપસ્યા થાય ત્યાં એક સામટાં અબાલ-વૃધ્ધો મળી ૪૫૦ જણ ૩૦ દિવસના આકરાં ઉપવાસ (જેમાં માત્ર ઉકાળેલું પાણી સૂર્યોદય અને સૂર્યાસ્તની અંદર જ પીવાનું) કરવાની ઘટના વિક્રમજનક જ નહી એક ઐતિહાસિક સીમા ચિહ્ન છે. આટલી વિરાટ સંખ્યામાં થયેલ તપસ્યામાં ૭ વર્ષથી માંડી ૭૭ વર્ષના વડીલ, સંસ્થાઓના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, કેન્સરના દર્દી, બી.પી.વાળાં અને સ્કૂલમાં જતાં બાળકો પણ જોડાયાં અને એ સૌને ૩૦ દિવસ દરમિયાન સારી શાતા રહી એ એક ચમત્કારિક ઘટના કહીએ તો ખોટું નથી! અલકાપુરી સંઘના પ્રમુખ શ્રી હિંમતલાલ (૭૭), ટ્રસ્ટી પ્રશાંતભાઇ શાહ, લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટીઓ દિવ્યેશભાઇ દેસાઇ (ધર્મપત્ની સહિત), ગૌતમભાઇ, કેતન શાહ, દીપક શાહ વગેરેએ સમાજના વિવિધ કાર્યકર્મોમાં સક્રિય ભાગ લઇ સરસ રીતે ૩૦ દિવસના ઉપવાસની તપસ્યા કરી સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસાડ્યું છે.
એક માતાએ ૩૦ ઉપવાસ કર્યાના સમાચાર એના કેનેડામાં રહેતા દીકરાને મળતા એણે પણ જ્યાં કોઇ સગવડતા વિના કે માહોલ ન હોવા છતાં પ્રતિકૂળ વાતાવરણમાં ૩૦ ઉપવાસ કરી મક્કમ મનોબળ અને જીભ પરના કાબૂ પર વિજય મેળવ્યાના સમાચારે પણ સમાજમાં જૈન ધર્મના પ્રભાવનો જયજયકાર થઇ ગયો. આ તપસ્વીઓના તપની અનુમોદના અર્થે ગુરુવાર તા.૧૦ ઓગષ્ટના રોજ ભવ્ય અને વાજતે-ગાજતે, બેન્ડ વાજા સહિત, હાથી-ઘોડા-ઊંટ ગાડીઓ, ૭૫ વિશિષ્ઠ રચનાઓ, વિવિધ મંડળીઓ સહીતનો વરઘોડો નવલખી મેદાનથી નીકળ્યો હતો. અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ ધર્મ સૂર્યોદય વાટિકા' ખાતે સંપન્ન થયો.
એ જોવા હકડેઠઠ માનવમેદની ઉમટી હતી. ૧૫,૦૦૦ની વિશાળ સંખ્યામાં શહેરના મેયર-ઉપમેયર- ભા.જ.પ પ્રમુખ, ધારાસભ્ય, રાજકારણીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયાં હતાં. ઠેર ઠેર પુષ્પ અને અક્ષતથી તપસ્વીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લાલબાગ સંઘના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ શાહે “ગુજરાત સમાચાર' લંડનના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, “બરોડાના ઇતિહાસમાં ૪૫૦ તપસ્યા ક્યારેય ભૂતકાળમાં થઇ નથી.
જૈન શાસનના જયજયકાર સાથે અરિહંત ભગવાનની કૃપાનો નાદ ગુંજી ઊઠ્યો. આચાર્યશ્રી રાજરત્નસુરિશ્વરજી મહારાજે આવી રહેલ પર્યુષણ પર્વમાં ૧૦૦૮ અઠ્ઠાઇ તપની આરાધનાની ટહેલ નાંખતા જ ૨૫૦ નામો તો તત્કાળ નોંધાઇ ગયા. એ મહારાજશ્રીની પ્રેરણાનો અને પુરૂષાર્થનો પ્રતાપ છે" સમગ્ર વડોદરા જાણે ભક્તિના રંગે રંગાઇ ગયું. ગચ્છાધિપતિ કલાપ્રભસાગર સુરિજીએ ભાવિકોને આશીર્વાદ પાઠવ્યા અને આચાર્ય રાજ રત્નસૂરિશ્વરજી મહારાજને ‘માસક્ષમણ સમ્રાટ” ના બિરૂદથી નવાજી સર્ટિફિકેટ અર્પણ કર્યું ત્યારે ગચ્છાધિપતિની લાગણીને માન આપી જણાવ્યું કે, આ માત્ર પ્રભુ અને ગુરૂદેવની કૃપાથી જ શક્ય બન્યું હોવાનું માનું છું. અને આ બિરૂદ દિવંગત ગુરુદેવો પૂ. ધર્મસૂરિજી અને પૂ.સૂર્યોદય સૂરિશ્વરજી મહારાજના ચરણોમાં ધરીએ છીએ.
આપના ભાવોને મસ્તકે રાખીશું પરંતુ બિરૂદથી દૂર રહીશું.' તપસ્વીઓના પારણા બીજા દિવસે નવલખી મેદાનમાં યોજાયા ત્યારે પણ ૧૭,૦૦૦ની ચિક્કાર માનવમેદની ઉમટી હતી. જૈનાચાર્ય રાજરત્ન મહારાજ સાહેબે પ્રવચન આપ્યા બાદ દરેક તપસ્વીઓએ મગનું પાણી એક-એક ચમચી મહારાજ સાહેબને વહોરાવી સુપાત્ર દાનનો લાભ લીધો. અંબર-કસ્તૂરી-સોનાના વરખની ઔષધિના ચૂર્ણથી પારણાં બાદ ગોળ-મગ-કેરાનું પાણી પહેલા ૪ દિવસ લેવાનું. ઉપવાસના પારણા બાદ ૧૫ દિવસ સાચવવાનું હોય છે. પહેલા ૪ દિવસ મગ, કેરાનું પાણી, ગોળ-સૂંઠ-ગંઠોડા-ગોળની રાબડી વગેરે પ્રવાહી જ આરોગવાનું. ત્યારબાદ ૧ સપ્તાહ દુધી, તૂરિયા, કારેલા વગેરે શાકભાજીનું મરી-મસાલા વગરનું સૂપ, સૂંઠ-ગંઠોડાનું દૂધ આદી લેવાના. ત્યારબાદ જ ધીમે ધીમે અનાજ ખાવાનું શરૂ કરવાનું.
આચાર્ય રાજરત્નસૂરિશ્વરજી મહારાજ દર્ભાવતી (ડભોઇ)નગરીના સુપુત્ર અને એમના ગુરૂ ભગવંત આચાર્ય શ્રી સૂર્યોદય મહારાજ પણ ડભોઇના છે. ડભોઇએ સેંકડો સાધુ-સાધ્વીની સમાજને ભેટ ધરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter