લંડનઃ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની અભૂતપૂર્વ ઉજવણીમાં સટનમાં ભવ્ય રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સટનમાં પ્રસિદ્ધ થોમસ વોલ થીએટરમાં 20 ઓક્ટોબર 2023ના દિવસે રામલીલા યોજાઈ હતી અને યુટ્યૂબ પર લાઈવ લિન્ક્સ મારફત વિશ્વભરના ઓડિયન્સ સમક્ષ તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ રામલીલા કાર્યક્રમથી 25થી વધુ પ્રતિભાશાળી કલાકારો અને 130થી વધુ સમર્પિત વોલન્ટીઅર્સની ટીમ તેમજ લંડન અને ભારતમાં વિશાળ ઓડિયન્સથી સાંસ્કૃતિક ઉજવણીઓમાં પ્રાણ ફૂંકાયો હતો. આ અવિસ્મરણીય સાંસ્કૃતિક ભવ્ય ઈવેન્ટની પાછળ ફ્રેન્ડ્ઝ ઓફ સટન નામે જાણીતાં સમર્પિત કોમ્યુનિટી ગ્રૂપની મહેનત હતી. આ ગ્રૂપમાં સટન અને તેની આસપાસ રહેતા ભારતીય મૂળના 1,000થી વધુ પરિવારના સભ્યો કાર્યરત છે.
ભવ્ય રામલીલા ઈવેન્ટ્માં યુકેના આઈટી મિનિસ્ટર પોલ સ્કલી, યુકેના કાર્શેલ્ટોન મતક્ષેત્રના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઈલિયટ કોલ્બર્ન સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ ઉપરાંત, સટનના મેયર કોલીન સ્ટીઅર્સ, ભારતીય હાઈ કમિશનના સંજય સિંહ, સધર્કના પૂર્વ મેયર સુનિલ ચોપરા અને લાયકા ગોલ્ડના રવિ શર્મા સહિત અન્ય ખ્યાતનામ વ્યક્તિત્વોએ આ પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.