લંડનઃ જલારામ જ્યોત વીરપુર ધામ, સડબરી દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન ‘શિવ મહાપુરાણ કથા’ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અવેકનિંગ ડિવાઈન લવ ઓફ કૃષ્ણા કોન્સિયસનેસ વર્લ્ડવાઈડના પરમ ભક્ત અને પ્રભાવશાળી કથાકાર પૂજ્ય લાલ ગોવિંદ દાસ વ્યાસપીઠે બિરાજશે. પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો મહિમાં સાંભળવાથી આપણા જીવનમાં પવિત્રતા વ્યાપે છે.
કથાકાર પૂજ્ય લાલ ગોવિંદ દાસ પરમ ભક્તિપૂર્વક વિસ્તૃત આધ્યાત્મિક જ્ઞાનની સમજણ આપવા માટે પ્રખ્યાત છે. કથાના પ્રથમ બે દિવસ, દરમિયાન ભગવાન શિવના આગમન અને ભૂતકાળના મહિમાની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ દિવસોમાં 500થી વધુ ભાવિકો કથા સાંભળવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
કથા સાંભળવા માટે ઉપસ્થિત તમામ ભક્તજનોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જલારામ મંદિરના પૂજારીઓ દ્વારા શ્રી શ્રી રાધા-કૃષ્ણના ઝૂલાનું આયોજન કર્યું હતું અને ભક્તોએ શ્રી શ્રી રાધા-કૃષ્ણને પ્રેમથી ઝૂલાવવાનો લહાવો લીધો હતો. દરેક ભક્તને કથા સાંભળવાથી તેમની ચેતનાના વિકાસની અનુભૂતિ થઈ હતી અને તેઓ ભક્તિનો સંદેશ પામી આનંદિત થયા હતા. મંદિરનું સ્થળ એવું છે જે દરેક માટે આકર્ષણ ઉપજાવે છે. મંદિરખંડનું આધ્યાત્મિક વાતાવરણ તમામ પ્રવૃત્તિઓને વધુ ભક્તિમય બનાવે છે.
આ કાર્યક્રમને વધુ સફળ બનાવવામાં મદદરૂપ થવા અને સાથોસાથ પવિત્ર શ્રાવણ મહિનામાં અમૂલ્ય આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરવા સ્પોન્સરશિપની તક પણ મળી શકશે.