વેમ્બલીના ફોર્ટી લેન પર આવેલ સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા દર મહિને સિનિયર સિટીઝન્સ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં બપોરે ૧૨ થી ૪ દરમિયાન ૬૦૦થી વધુ નિવૃત્ત ભાઇ-બહેનો જોડાય છે. સત્તાવીશ સેન્ટરના વિશાળ હોલમાં ગયા બુધવારે સત્તાવીશ પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ અને સક્રિય કાર્યકરો દ્વારા ભારતીય સ્વાતંત્ર્યદિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૦૦થી વધુ સિનિયર સિટીઝન્સ સહિત બ્રેન્ટ અને હેરોના સ્થાનિક કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય દિને ભારતનું ગૌરવ વધારવા મહિલાઓ ભારતીય ત્રિરંગા અંકિત કેસરી, લીલી અને સફેદ સાડીઓ પહેરી હાથમાં ત્રિરંગો લઇને આવી હતી. કેટલીક બહેનો અને માતાઓ તો ત્રિરંગા અંકિત સાડીઓમાં સજ્જ થઇને આવી હતી. સાથે નિવૃત્ત વડીલો અને યુવા ભાઇઓ ત્રિરંગો અંકિત ટોપીઓ પહેરી આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સત્તાવીશ પાટીદાર સમાજના સહાયક પ્રમુખ મુકેશભાઇ પટેલ, કન્વેનર દશરથભાઇ પટેલ, ટ્રસ્ટીઓ જયોત્સનાબહેન પટેલ, દક્ષાબહેન પટેલ, દક્ષાબહેન પટેલ તેમજ બ્રેન્ટના લેબર લીડર મોહમ્મદ બટ્ટ, હેરોના કાઉન્સિલર અંજના પટેલ, જાણીતા પત્રકાર કોકિલા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિરંગો અંકિત ટોપી પહેરી ભારતીય ધ્વજને સલામી આપનાર મોહમ્મદ બટ્ટે જણાવ્યું કે, “હું ભારતીય મૂળનો છું, મારા વંશજ કાશ્મીરી હતા. ભારતના ભાગલા થતાં અમે પાકિસ્તાન ગયા હતા.”