શ્રી સત્તાવીશ પાટીદાર સમાજના ઉપક્રમે ગયા બુધવાર, તા. ૧૯ એપ્રિલના રોજ બપોરે ૧૨ થી ૪.૦૦ દરમિયાન સિનિયર સીટીઝન માટે "મીટ એન્ડ ગ્રીટ"નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૫૦૦થી વધુ નિવૃત્ત ભાઇ બહેનો ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા અને મનભર કાર્યક્રમને માણ્યો હતો. નીસડન સ્વામિનારાયણ BAPSના સંતોએ પધારીને દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમના શ્રીગણેશ કર્યા હતા. આ કાર્યક્રમમાં માત્ર સત્તાવીશ પાટીદાર સમાજના સભ્યો સહિત ધર્મજ સોસાયટીના મનહરભાઇ, મુકુંદભાઇ, સોનાલીબહેન, ભાદરણબંધુ સમાજના દેવિકાબેન, શ્રી બાવીશગામ પાટીદાર સમાજના સભ્યો, પાંચ ગામ પાટીદાર સમાજ તેમજ અન્ય ગુજરાતી સમાજના નિવૃત્ત ભાઇ બહેનોએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે નિવૃત્ત વ્યવસાયીઓ, ડોકટરો અને વિવિધ સમાજના અગ્રગણ્યોએ દર મહિને એકવાર આ હોલમાં ભેગા મળી કેવા કેવા સેમિનાર કરવા જોઇએ એ વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી. શ્રી સત્તાવીશ પાટીદાર સમાજના પ્રમુખ જયેન્દ્રભાઇ અને "મીટ એન્ડ ગ્રીટ"ના આયોજક, ટ્રસ્ટી દશરથભાઇ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. બપોરે ૧.૦૦ વાગ્યે લંચ જમ્યા પછી સૌએ ૪.૦૦ સુધી રમૂજ સાથે ગીત-સંગીતનો આનંદ માણ્યો હતો.