લંડન: સેન્ટ્રલ લંડનની બિલ્ટમોર હોટેલ ખાતે 19 નવેમ્બર 2022ના રોજ અમે પેટ્રન્સ, સમર્થકો અને કલાકારો સહિતના ઉષ્માસભર સન્માનનિય મહેમાનોની સાથે ભવન વાર્ષિક દીવાળી ગાલાનું આયોજન થયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહીને ભારતના બ્રિટન ખાતેના હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ ગૌરવ વધાર્યું હતું. સમારોહોના માસ્ટર ગણાતા રામ ઘીરાવોએ તેમની પ્રતિભા દ્વારા જીવંત વાતાવરણ સર્જ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ વાઇબ્રન્ટ પર્ક્યુસન એન્સેમ્બલ પર્ફોર્મન્સ સાથે કરાયો હતો. ત્યારબાદ ભવનના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ આધારિત એક શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ભવનના ચેરમેન સુભાનુ સક્સેનાએ આવકાર સંદેશો આપણા વારસાને આગળ ધપાવાની જવાબદારી પર ચર્ચા કરી હતી. તેમણે નિવૃત્ત ચેરમેન જોગિન્દર સેંગરના યોગદાન માટે આભાર માન્યો હતો. તેમણે તમામ વ્યવસ્થા માટે ડો. સુરેખા મેહતાનો પણ આભાર માન્યો હતો.
ચેનલ ફોર ન્યૂઝના અગ્રણી એન્કર ક્રિશ્નન ગુરુમૂર્તિએ ભવન સાથેના તેમના પરિવારના દાયકાઓ જૂના સંબંધોને વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભવને ન કેવળ સંસ્કૃતિનો પ્રચાર કર્યો પરંતુ આપણી કલાઓથી ભારતીય સમુદાયની પેઢીઓને એકજૂથ કરી તેના પર પ્રકાશ ફેંક્યો હતો. મુખ્ય અતિથિ વિક્રમ દોરાઇસ્વામી દ્વારા કરાયેલા સંબોધનને હાજર પ્રેક્ષકગણ દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કલાઓ ભારતીય જીવનનો અંતરંગ હિસ્સો છે અને જીવન અને સંસ્કૃતિની જાળવણી દ્વિભાષી નથી. સત્યમ, શિવમ, સુંદરમના સાર્વત્રિક ગુણો ધર્મના વિચારને સુદ્રઢ બનાવે છે. તેમાં કવિ કિટ્સના શબ્દો પડઘાય છે કે સત્ય સુંદર છે અને સુંદરતા જ સત્ય છે. તેમણે જણાવ્યું હતું કે, ભવન આ તમામ ગુણોનું પ્રતિક છે અને તેણે કલાઓને નવા આયામ આપતાં આપણા વારસાના આત્માની જાળવણી કરી છે.
ડીનર પહેલાં ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ભરતનાટ્યમ, કથ્થક અને ઓડિસી નૃત્યો રજૂ કરાયાં હતાં. સમગ્ર કાર્યક્રમના આયોજનનો ભાર ઉપાડી લેનારા ભવનના વાઇસ ચેરમેન ડો. સુરેખા મેહતાએ વિક્રમ દોરાઇસ્વામી, ક્રિશ્નન ગુરુમૂર્તિ અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામનો આભાર માન્યો હતો.
કાર્યક્રમમાં નેહરૂ સેન્ટરના ડિરેક્ટર અમિષ ત્રિપાઠી, લોર્ડ ધોળકિયા, બેરોનેસ ઉષા પરાશર, લોર્ડ લૂમ્બા, સાંસદ સીમા મલ્હોત્રા, સાંસદ વિરેન્દ્ર શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમર્થકોએ ડીનર, સાંસ્કૃતિક રજૂઆતો અને સમગ્ર કાર્યક્રમને વધાવી લીધો હતો.
ભવન યુકેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો એમ એન નંદકુમારે વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.