સનાતન ધ્વજવાહક ઇસ્કોનના સ્થાપક સ્વામી શ્રીલ પ્રભુપાદ બન્યા વિશ્વગુરુ

Saturday 01st March 2025 15:37 EST
 
 

પ્રયાગરાજઃ ઈસ્કોન અને વિશ્વવ્યાપી હરે કૃષ્ણ આંદોલનના સ્થાપક અને આચાર્ય શ્રી કૃષ્ણ કૃપામૂર્તિ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદને ઐતિહાસિક મહાકુંભના પાવન અવસર પર અખિલ ભારતીય અખાડા પરિષદે ‘વિશ્વગુરુ’ની ઉપાધિ વડે સન્નમાનિત કર્યા છે. નિત્યાનંદ તેરસના પાવન દિવસે નિરંજની અખાડાના પટાંગણમાં વિશ્વગુરુ પટ્ટાભિષેક કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપાધિ શ્રીલ પ્રભુપાદને દુનિયાભરમાં લાખો-કરોડો અનુયાયીઓને સનાતન ધર્મ સાથે જોડવાના અને ઇસ્કોન પ્રત્યે દેશ-વિદેશમાં જન્મેલી શ્રદ્ધાને ધ્યાને રાખીને અપાઇ છે.

આ કાર્યક્રમ નિરંજની પીઠાધીશ્વર શ્રી ૧૦૦૮ સ્વામી કૈલાશાનંદ ગિરિ મહારાજ, અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રી મહંત રવીન્દ્ર પુરીજી મહારાજ, આચાર્ય મહામંડલેશ્વર અવધૂત અરુણ ગિરિજી, શ્રી આવાહન અખાડા પીઠાધીશો, અખાડાઓના મહામંડલેશ્વરો, સચિવો, શ્રીમહંતો અને હજારો ભક્તોની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે અખાડા પરિષદે જણાવ્યું હતું કે, ‘અમે બધા ખૂબ જ ખુશ અને પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ કે પરમ પૂજ્ય શ્રીલા પ્રભુપાદજીને ‘વિશ્વગુરુ’નું બિરુદ અપાયું છે. સનાતન ધર્મના પ્રસારમાં તેમનું યોગદાન અજોડ છે અને તેમના ઉપદેશોએ લાખો લોકોના જીવન બદલી નાખ્યા છે.’
આ પ્રસંગે શ્રી પંચાયતી નિરંજની અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરિજી મહારાજે જણાવ્યું હતું કે આજે અમોને આ પવિત્ર ત્રિવેણીના સંગમ કિનારે યોજાઈ રહેલા વિશાળ, ભવ્ય, સ્વચ્છ અને દિવ્ય મહાકુંભના પવિત્ર ઉત્સવમાં તે મહાપુરુષની હાજરીમાં બેસવાનો અવસર મળ્યો. ‘આ બિરુદ 1968ના થોડા દિવસો પછી મળવું જોઈતું હતું, પરંતુ આજે આ ત્રિવેણીના પવિત્ર કિનારે, આ શુભ કાર્ય કરવાનો શ્રેય આપણને બધાને મળવાનો હતો.’

અખાડા પરિષદના પ્રમુખ રવીન્દ્રપુરીજી મહારાજે કહ્યું કે શ્રીલ પ્રભુપાદ મહારાજ માટે વિશ્વગુરુનું આ બિરુદ સૂર્યને દીવો બતાવવા જેવું છે. શ્રીલ પ્રભુપાદ મહારાજે શ્રીમદ્ ભગવદ ગીતા અને શ્રીમદ્ ભાગવતમ પર અદભુત કાર્ય કર્યું. આવાહન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર શ્રી 1008 અનંત શ્રી વિભૂષિત અવધૂત બાબા અરુણ ગિરિજી મહારાજે કહ્યું હતું કે લોકો મને અવધૂત કહે છે પણ હું સ્વામી શ્રીલ પ્રભુપાદ મહારાજજીને અદભૂત કહું છું. આ શુભ પ્રસંગે, સ્વામી પ્રભુપાદના અનુયાયીઓએ બે-બે વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવો જોઈએ, તો જ તેઓ રાધારાણીને પ્રસન્ન કરી શકશે.
ગ્લોબલ હરે કૃષ્ણ ચળવળના અધ્યક્ષ અને આશ્રયદાતા, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ, વૃંદાવન ચંદ્રોદય મંદિરના અધ્યક્ષ અને ઇસ્કોન બેંગ્લોરના પ્રમુખ મધુ પંડિત દાસ, ઇસ્કોન અને હરે કૃષ્ણ ચળવળના તમામ અનુયાયીઓ વતી, આચાર્ય શ્રીલ પ્રભુપાદને વિશ્વ ગુરુની પદવીથી સન્માનિત કરવાનો નિર્ણય લેવા બદલ અખિલ ભારતીય અખાડા પરિષદનો આભાર માને છે. શ્રીલ પ્રભુપાદના જીવન પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે શ્રીલ પ્રભુપાદે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ફેલાવો કરવા માટે ઘણી તપસ્યા કરી હતી.

શ્રીલ પ્રભુપાદ: વૈષ્ણવ પરંપરાના આચાર્ય
ત્રિદંડી સન્યાસી અને ગોસ્વામી શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ બ્રહ્મ-મધ્વ-ગૌડિય વૈષ્ણવ પરંપરાના 32મા આચાર્ય છે, જેમણે 70 વર્ષની વયે શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને વૃંદાવનના 6 ગોસ્વામીઓના ઉપદેશો અને હરિનામ સંકીર્તનના મહિમાને સમગ્ર વિશ્વમાં સફળતાપૂર્વક ફેલાવ્યો અને હજારો લોકોએ સનાતન ધર્મનાં દર્શન અને સંસ્કૃતિને અપનાવીને તેમનાં જીવન બદલી નાખ્યાં.
શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત પરના તેમનાં લખાણો વિશ્વભરના લાખો લોકોને 80થી વધુ ભાષાઓમાં વિતરિત કરવામાં આવ્યાં છે, અને આજે પણ વિશ્વભરના લાખો લોકોને સનાતન ધર્મ અપનાવવા માટે પ્રેરણા આપે છે. વિશ્વભરમાં સનાતન ધર્મના પ્રસારમાં તેમનું યોગદાન અજોડ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter