સમન્વય પરિવાર, લેસ્ટર દ્વારા સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજીનો ૮૩મો જન્મ દિન ઉજવાયો

Saturday 13th December 2014 06:57 EST
 
 
આ પ્રસંગે શુક્રવારે સવારે રૂદ્રાભિષેકનું આયોજન કરાયું હતું જેમાં આશરે ૫૦૦ જેટલા ભક્તો જોડાયા હતા અને સમગ્ર પૂજાને ૨૦ વૈદિક બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરાવી હતી. તે પછી સ્વામીજીએ વિશાળ ભક્ત સમુહને ગળગળા સાદે આશિર્વાદ આપ્યા હતા. લાગણીથી તરબોળ થઇ ગયેલા સ્વામીજી માને છે કે તેમના જેવા સન્યાસીને મન જન્મ દિનનું કોઇજ મહત્વ હોવું જોઇએ નહિં. પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા અને ૫૦ વર્ષથી લાગલગાટ શ્રધ્ધા દર્શાવતા ભક્તોની લાગણીને વશ થઇને આવી ઉજવણીમાં જોડાય છે.
શુક્રવારે સાંજે સ્વામીજીના જન્મ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કીથ વાઝ સહિત સમગ્ર યુકેમાંથી સ્વામીજીના અનુયાયીઅો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કિથ વાઝે પોતાના ટૂંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે ૨૭ વર્ષ પહેલા તેઅો ચૂંટણીમાં ઉભા રહ્યા હતા ત્યારે સ્વામીજીએ આશિર્વાદ આપ્યા હતા અને ચૂંટણી જીતી ગયા હતા.
સ્વામીજીએ પોતાના પ્રતિસાદમાં જણાવ્યું હતું કે 'આજના કલીયુગના આ માહોલમાં ભગવાનનું નામ અને પ્રાર્થના જ મદદ કરી શકશે. નિયમીત પ્રાર્થના જ આપણા આત્મવિશ્વાસને મજબૂત કરે છે અને ખરાબ થતું અટકે છે.
શનિવારે સવારે રુદ્રાભિષેક કરાયો હતો અને ખરાબ તબીયત હોવા છતાં સ્વામીજીએ દર્શનનો લાભ આપ્યો હતો. ગત વર્ષે સમન્વય પરિવાર લંડન દ્વારા સ્વામીજીના જન્મ દિનની ઉજવણી કરાઇ હતી.
સ્વામીજીએ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 'ભારત માતા જનહિત ટ્રસ્ટ અને સમન્વય સેવા ટ્રસ્ટ, હરીદ્વાર દ્વારા આગામી તા. ૨૧થી ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૫ દરમિયાન 'સીતા યજ્ઞ'નું શાનદાર આયોજન કરવામાં આવનાર છે. જેમાં પધારવા સૌને ભાવભીનું નિમંત્રણ છે.
સંસ્થાના અગ્રણી શ્રી પ્રવીણભાઇ આચાર્યએ આ પ્રસંગે લેસ્ટરની કેટલીક ચેરીટીને સખાવતની જાહેરાત કરી સ્વામીજીના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter