લંડનઃ અનુપમ મિશન બ્રહ્મજ્યોતિ - ડેન્હામ મંદિરમાં પ.પૂ. જશભાઇ સાહેબજી અને સંત અશ્વિનદાદાના દિવ્ય સાનિધ્યમાં 17 સપ્ટેમ્બર - રવિવારે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. અનુપમ મિશન કેમ્પસમાં ‘ૐ ક્રેમેટોરિયમ’નું નિર્માણકાર્ય શરૂ થઈ રહ્યું છે. આ સમાજસેવાના કાર્યમાં સહાયરૂપ થવામાં ઉત્સાહપૂર્વક સહકાર આપનાર દાતાશ્રીઓના સન્માન માટે કીર્તનભક્તિ સાથે સભાનું આયોજન થયું હતું.
શ્રેષ્ઠી શ્રી પ્રદીપભાઈ ધામેચા અને વીણાબેન ધામેચા, રાજશ્રીબેન ઠક્કર (દુબઈ), સી.બી. પટેલ (તંત્રીશ્રી ગુજરાત સમાચાર - એશિયન વોઇસ), આણંદના ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન ડો. અતુલભાઈ, સેક્રેટરી ડો. જાગૃતભાઈ ભટ્ટ, કરમસદ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ
ડો. જીતેશભાઇ દેસાઈ અને રામભાઈ, સુરેન્દ્રભાઈ પટેલ, બારિન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો પધાર્યા હતા. અનુપમ સુરવૃંદના કલ્પેશભાઈ, ચેતનભાઈ, બિહાગ અને નેતિ વ્યાસે ખૂબ સુંદર કીર્તનો અર્પણ કર્યા. આ ઉપરાંત નારાયણ મુનિએ પણ ભાવવાહી કીર્તનો ગાયા. સહુ મહાનુભાવોના પૂજન અને સન્માન થયાં. સતિશભાઈ ચટવાણીએ સ્વાગત ઉદ્બોધનમાં દાતાઓનો પરિચય આપતાં ‘ૐ ક્રેમેટોરિયમ’ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સહુને માહિતી આપી હતી.
પ્રદીપભાઈ ધામેચાએ કહ્યું કે, ‘ખરો આભાર અનુપમ મિશનમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા આ સંતો-સ્વયંસેવકોનો માનવો જોઈએ. હું હંમેશા આવું છું ત્યારે અનુપમ મિશનમાં સંતો અને સ્વયંસેવકોને ખૂબ મહિમાથી ઉત્સાહપૂર્વક નિઃસ્વાર્થભાવે સેવા કરતા જોઇને ખૂબ પ્રભાવિત થયો છું. સંતભગવંત સાહેબજીએ સહુનું કેવું ઘડતર કર્યું છે એના દર્શન થાય છે. અમારા જેવા દાતા તો ડોનેશન આપી ને જતા રહે, પણ તે કાર્ય સરસ રીતે થાય તે માટે તે સહુ તેની પાછળ લાગેલા હોય છે. હું સાહેબજી અને સહુ સંતો - ભક્તોને વંદન કરું છું. ભગવાને પૈસા આપ્યા હોય પણ તેનો ક્યાં યોગ્ય ઉપયોગ કરવો તે ઘણી વાર સમજ નથી પડતી. આવા સમાજ સેવાના કાર્યમાં સાથ આપવાની મને તક મળી તેને જીવનનું અહોભાગ્ય ગણી સાહેબજીનો ખૂબ આભાર માનુ છું.’
આણંદના ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન ડો. અતુલભાઈએ સાહેબજીના દિવ્ય આશીર્વાદથી નવી ચેતનાની અનુભૂતિ થઈ રહી છે તેવી સુંદર વાત કરી. સંત અશ્વિનદાદા અને સંતભગવંત સાહેબજીએ સહુને આશીર્વાદ આપ્યા. સભાનું સંચાલન ભાવિષાબેને કર્યું હતું.