આજે વાત કરીએ આપણા માદરે વતનની એક અત્યંત પ્રાણવાન સંસ્થાની. વર્ષ 1895માં ‘૨૭ ગામ પાટીદાર પંચ’ની સ્થાપના થઇ. બંધારણીય સ્વરૂપમાં આ સંસ્થા 1987માં ‘શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-માતૃસંસ્થા’ના નામે ઓળખાઇ. સમૂહલગ્ન, કેળવણી અને આરોગ્ય ક્ષેત્રે માતૃસંસ્થાએ અગત્યની સેવાસિદ્ધિઓ મેળવી છે.
વર્ષ 1994માં કેળવણી મંડળની રચના કરાઇ જે ‘શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ-આણંદ’ નામથી ઓળખાઇ. આ પછી ધો. 11-12ની મંજૂરી મેળવી અને પછી છાત્રાલયની રૂમોને જ ક્લાસરૂમ અને લેબોરેટરીમાં ફેરવી 43 વિદ્યાર્થીઓથી ધો. 11નો ગુજરાતી માધ્યમનો વર્ગ શરૂ થયો.
વિદ્યાર્થીઓને ઘનિષ્ઠ તાલીમ આપવા વ્યાવસાયિક કેન્દ્ર શરૂ થયું જેમાં IELTS અને કોમ્પ્યુટર ક્લાસની શરૂઆત થઇ. 1999માં ચાંગામાં 45 એકર જમીન મળતા સંસ્થાએ ટેકનિકલ એજ્યુકેશનમાં આગળ વધવા નિર્ણય કર્યો. વર્ષ 2000માં સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે ચાંગાની ભૂમિ પર ખાતમૂહુર્ત કરવામાં આવ્યું અને ચરોતર ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-ચાંગાની શરૂઆત થઈ.
દાતાઓનો સાથ-સહકાર મળતા 2009માં ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ)નું નિર્માણ થયું. ચારૂસેટ યુનિવર્સિટીમાં 7500થી વધુ વિદ્યાર્થીઓ 550 જેટલા વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરે છે. ચારૂસેટમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, કોમ્પ્યુટર એપ્લીકેશન, મેનેજમેન્ટ, એપ્લાઈડ સાયન્સ, નર્સિગ, ફિઝીયોથેરાપી, પેરામેડિકલ કોલેજો છે જેમાં વિદેશના વિધાર્થીઓ સહિત 250 જેટલા પીએચ.ડી. વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. 2011માં ચરોતર હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF) ની રચના કરાઈ. 450 બેડની હોસ્પિટલ બનાવવાના લક્ષ્ય સાથે પ્રાથમિક તબકકે 150 બેડની અદ્યતન સુવિધા ધરાવતી ચારૂસેટ હોસ્પિટલ શરૂ થઇ.
સમાજમાંથી ઉભી થયેલી ચાર સ્વાયત્ત સંસ્થાઓ - માતૃસંસ્થા, કેળવણી મંડળ, ચારૂસેટ યુનિવર્સિટી અને ચારૂસેટ હોસ્પિટલ દાનદાતાઓના સહકારથી આજે પ્રગતિના પંથે છે. છેલ્લા ત્રણ દાયકામાં લગભગ 2000 દાતાઓના સહકારથી રૂ. 200 કરોડથી વધારે દાન પ્રાપ્ત થયું છે. આમ આણંદસ્થિત શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ પોતાની આગવી કાર્યક્ષમતાના કારણે સાવ અલગ ઉપસી આવે છે અને દેશ-વિદેશમાં સમાજ અને સંસ્થાઓ માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે.
•••
ગુજરાતી અસ્મિતાની એક ઓળખ છે કે એમાં વ્યક્તિગત વિકાસ સાથે સામુહિક ઉન્નતિના પણ દર્શન થાય છે. આ સપ્તાહથી દર અઠવાડિયે ‘આપણી પ્રાણવાન સંસ્થા’ની એક સંક્ષિપ્ત ઓળખ આપવાનું અમે નક્કી કર્યું છે. બ્રિટિશ વસાહતોમાં વ્યક્તિગત સિદ્ધિ સાથે સાથે જ કેટલીય સામાજિક, ધાર્મિક, જ્ઞાતિ વિષયક સેવા સંસ્થાઓ પણ અદ્ભુત સેવા આપી રહી છે. આવી કોઇ સંસ્થા વિષે આપને માહિતી આપવી હોય તો ગુજરાત સમાચારનો સંપર્ક કરી શકો છો.
- મહેશ લિલોરિયા, ગ્રૂપ એડિટર