લંડનઃ લોહાણા કોમ્યુનિટી યુનાઇટેડ કિંગ્ડમ (એલસીયુકે) દ્વારા તાજેતરમાં પેઢીઓને એકમેક સાથે જોડતો અને સમુદાયના જુસ્સાને દર્શાવતા બે દિવસના ધ લોહાણા સ્પોર્ટ્સ વીકએન્ડ 2023નું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ રમતગમત, પ્રતિભા, સંગીત અને રસોઇકળાની પ્રવૃત્તિઓની મજા માણી હતી. સ્પર્ધામાં 7 વર્ષથી માંડીને 80 વર્ષથી મોટી વયની વ્યક્તિઓએ ભાગ લઇને રમતગમતથી માંડીને વિવિધ પ્રતિભાની ઝલક દર્શાવી હતી. આ પ્રસંગે ટેબલ ટેનિસથી માંડીને ફૂટબોલ સહિતની અનેકવિધ રમતોને સામેલ કરાઇ હતી. દર્શકોએ લીંબુ-ચમચાની દોડ અને રાઉન્ડર્સની રમતની ભારે મજા માણી હતી. લોહાણા’સ ગોટ ટેલેન્ટ અંતાક્ષરીમાં લોહાણા સમુદાયના ગાયકોથી માંડીને કોમેડિયન્સે ભાગ લઇને તેમની પ્રતિભા રજૂ કરી હતી. સમગ્ર આયોજન ખૂબ સફળ રહ્યું હતું અને લોકોએ સંગીતથી માંડીને સ્વાદિષ્ટ વ્યંજનોની મજા માણી હતી.
એલસીયુકેના પ્રમુખ ભરતભાઇ સોઢાએ કહ્યું હતું, ‘આ વીકેન્ડમાં અમારા સમુદાયની પ્રતિભા અને એકતાની ઉજવણી કરાઇ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવનાર સહુ કોઇને આભાર. કાર્યકરો, સ્પર્ધામાં ભાગ લેનારાઓ તેમજ સ્પોન્સર્સના સહકારે આયોજનને સફળ બનાવ્યું છે, જે સમુદાયની એકતા દર્શાવે છે.’