લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન (નીસડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત) ઓર્ગન ડોનેશન માટે ઓપ્ટ આઉટ પ્રક્રિયા અમલી બનાવવા માટેના સીમાચિહ્નરૂપ બીલને સાંસદો દ્વારા અપાયેલા સમર્થનને આવકાર આપ્યો હતો.
વર્તમાન કાયદા મુજબ ડોનર અથવા તેમના પરિવારે તેમના મૃત્યુના કિસ્સામાં અન્ય વ્યક્તિને તેમના અંગોના દાન માટે મંજૂરી આપવી જરૂરી છે. જોકે, હાઉસ ઓફ કોમન્સ દ્વારા સમર્થિત નવા સૂચિત કાયદા હેઠળ અંગદાનની રૂપરેખા બદલાઈ જશે. તેથી હવે લોકોએ અંગદાન ન કરવા માગતા હોય તો તે જાહેર કરવું પડશે.
સૂચિત સુધારાને BAPSનું ભારે સમર્થન છે. કારણ કે તેનાથી અંગદાનનો દર વધશે અને દર વર્ષે સેંકડો જીંદગી બચાવી શકાશે અને ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા દર્દીઓની તકલીફો ઓછી થશે.
BAPSના વડા પ.પૂ. મહંત સ્વામીએ વિવિધ પગલાં અને અભિયાન દ્વારા સમાજમાં અંગદાનનું મહત્ત્વ સક્રિય રીતે વધારવા BAPSના વોલન્ટિયર્સને પ્રેરણા આપી હતી અને આશીર્વાદ પાઠવ્યા હતા. તાજેતરમાં ગત ૧૦ માર્ચે મહિલા દિનની ઉજવણી વખતે મહિલા દાતા અને અંગ મેળવનારા લોકોએ તેમની વાત રજૂ કરી હતી અને અંગદાન માટે પ્રતિજ્ઞા લેવા ઘણાં લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.
યુકેમાં હિંદુ સમાજમાં અંગદાનને પ્રોત્સાહન પૂરું પાડવામાં નોંધપાત્ર સફળતા સાથે ઘણાં વર્ષોથી BAPS એ નેતૃત્વ સંભાળ્યું છે. સૂચિત સુધારાને લીધે આ કાર્યની તકો વધી જશે અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા લોકોના જીવનમાં પરિવર્તન આવશે.
યુકે અને યુરોપમાં BAPSના વડા યોગવિવેક સ્વામીએ ઉમેર્યું હતું કે કોઈકને જીવનની ભેટ આપવી તે કોઈપણ વ્યક્તિ કરી શકે તેવું પરમાર્થનું નિઃસ્વાર્થ કાર્ય છે.