શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરીને ગુજરાતમાં આવ્યા. ભદ્રમાં મકાન રાખીને રહેણાંક કર્યું. વકીલ તરીકેની શરૂઆત કરી. તેમના રહેણાંક સામે ‘ગુજરાત ક્લબ’ તેમાં તેઓ નિયમિત જતા. વલ્લભભાઈ ઈ.સ. ૧૯૧૩માં આવ્યા. તે પછીના બે વર્ષ બાદ ગાંધીજીનું ગુજરાતમાં આગમન થયું અને કોચરબ આશ્રમ ઊભો કર્યો.
વલ્લભભાઈ ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજીના પરિચયમાં આવેલા તે પછી તેઓ તેમના ચુસ્ત અનુયાયી બની ગયા. તે જ વર્ષમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે ચુંટાયા. આમ તેમના જાહેર જીવનની કારકિર્દી શરૂ થઈ. ઈ.સ. ૧૯૨૪ના વર્ષમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ ચુંટાયા. તેમણે તે વર્ષમાં ગાંધીને માનપત્ર આપી સન્માનિત કર્યા.
અમદાવાદનો અભ્યુદય
અમદાવાદના વિકાસ અને વિસ્તાર માટે સરદારે બહુમૂલ્ય પ્રદાન આપ્યું હતું, જેમાં
મુખ્યત્વે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, શેઠ મંગળદાસ ટાઉન હોલ, માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય (એમ. જે. લાઇબ્રેરી) અને શહેરના હાર્દસમાન રિલીફ રોડની સુવિધાનો સમાવેશ થાય છે.
સરદારના સત્યાગ્રહી યુદ્ધો
આઝાદીની લડતને વેગવંતી બનાવવામાં અને અંગ્રેજ હકુમતને નમાવવા જે સત્યાગ્રહો થયાં તેમાં સરદાર વલ્લભભાઈ પટેલે જ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જેમાં મુખ્યત્વે નાગરપુરનો ઝંડા સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ વગેરેનો સમાવેશ થાય છે.
ગાંધીજીએ ૧૯૩૮ના વર્ષમાં રાજકોટ સત્યાગ્રહ શરૂ કર્યો તેમાં તેઓએ આમરણ ઉપવાસની જાહેરાત કરી હતી. તેમને પાસેના ત્રંબા ખાતે ખસેડવામાં આવેલા, જ્યાં ઉપવાસના કારણે તેમની હાલત ગંભીર થતાં સરદાર રાજકોટ પહોંચ્યા હતા અને દીવાન કેડલ અને કારભારી સાથે વાટાઘાટો કરી આ સત્યાગ્રહનો કુનેહપૂર્વ અંત લાવવામાં સફળ રહ્યા હતા.
સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન તેમણે સોમનાથની મુલાકાત લીધી. તેમના ભગ્ન અવશેષો નિહાળીને તેમણે સોમનાથના સાગરકિનારે પ્રતિજ્ઞા લીધેલી કે જ્યારે સ્વરાજ આવશે ત્યારે પ્રથમ સોમનાથના જિર્ણોદ્ધાર કરીને તેની જાહોજલાલીને પુનઃ પ્રસ્થાપિત કરીશ. આ કાર્ય સરદારે પરિપૂર્ણ કરી બતાવ્યું. આજે સોમનાથનો જે ઉજ્જવળ કિર્તી કળશ ઝળકે છે તે માત્ર સરદારને આભારી છે.
આઝાદીના આગમન સાથે ૫૬૨ દેશી રાજ્યનું ભારત સાથે જોડાણ કરીને અખંડ ભારતની રચનાનો કઠીન, કપરો અને પડકારરૂપ પ્રશ્ન આવીને ઊભો રહ્યો, પણ સરદારે સહાયક વી. પી. મેનનને સાથે રાખીને ભલભલા ભૂપતિઓના નેજા નમાવી ભારતમાં વિલીન કરી દીધા હતા. તે સમયે હૈદરાબાદના મિત્રોએ ઠાગાઠૈયાં કર્યાં, પણ સરદારની કુનેહ અને કરડાકી સામે નિઝામને પણ નમવું પડ્યું.
તે સમયે સોરઠના નવાબી રાજ્યે પાકિસ્તાનમાં ભળવાનું જાહેરનામું બહાર પાડ્યું ને સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવ્યો. જૂનાગઢમાંથી પાકિસ્તાનને તગેડી મૂકવા મુંબઈના માધવ બાગમાં એક સભા મળી, તેમાં આરઝી હકુમતની રચના કરવામાં આવી. તેના સેનાપતિ તરીકે શામળદાસ ગાંધી (ગાંધીજીના ભત્રીજા)ને સેનાપતિ તરીકે નીમવામાં આવ્યા. તેમણે જૂનાગઢના સંસ્થાનોને પાકિસ્તાનમાંથી મુક્ત કરાવવા ઠેર-ઠેર છાવણીઓ ખડી કરીને મોરચા માંડ્યા. સરદારે આરઝી હકુમતને સહાય કરવા સેના ઉતારી ને અંતે સરદાર સાહેબ ખુદ કેશોદ એરપોર્ટ દ્વારા જૂનાગઢ પહોંચ્યા અને ઉપરકોટના કિલ્લા પરથી નવાબી નેજો ઉતારીને ૯ નવેમ્બર, ૧૯૪૭ તિરંગો લહેરાવી પોતાની બુદ્ધિ, બળ અને બહાદુરીનો પરિચય આપી દીધો.
અખંડ સૌરાષ્ટ્રની રચના
છેવટે ૧૫ એપ્રિલ, ૧૯૪૮ના રોજ સરદાર સાહેબના હસ્તે સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ, જેને ‘એકમ દિન’ તરીકે ઓળખવામાં આવેલ. સૌરાષ્ટ્ર વિધાનસભાનું પણ સરદાર સાહેબે ઉદઘાટન કર્યું હતું. ૧૦ જાન્યુઆરીના રોજ જૂનાગઢને સૌરાષ્ટ્ર રાજ્ય તરીકે જોડી દેવામાં આવ્યું હતું.
--------
બોક્સમાં આ મેટર મૂકવું...
(રાજ્યસભાના સાંસદશ્રી પરષોત્તમભાઇ રૂપાલા સરદાર નિર્વાણ દિનના ઉપલક્ષ્યમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા શનિવારે લંડન આવી રહ્યા છે. અમારા આમંત્રણને માન આપીને તેમણે ‘ગુજરાત સમાચાર’ માટે આ વિશેષ લેખ લખ્યો છે. - તંત્રી)