સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી યુ.કે. યોજિત સંજય રાવલનો "સરદાર પટેલ મારા રોલ મોડેલ" સેમિનાર

કોકિલા પટેલ Wednesday 08th July 2020 06:40 EDT
 
 

સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી યુ.કે. દ્વારા ગયા રવિવારે સરદાર પટેલના પ્રેરણાત્મક જીવન આધારિત એક સવિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના યુવાનો માટે મોટીવેશન સ્પીકર તરીકે જાણીતા બનેલા સંજય રાવલ સાથે સૌને લાઇવ વાર્તાલાપનો લાભ મળ્યો હતો. સરદાર પટેલ સોસાયટી યુ.કે.નાં સક્રિય અને ઉત્સાહજનક સેક્રેટરી કૃષ્ણાબહેન પૂજારાએ Zoom મિટીંગ દ્વારા દેશવિદેશમાંથી ઘણા સરદાર ચાહકોને આ લાઇવ સેમિનારમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો. સાંજે ૪.૦૦ વાગે સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ લોર્ડ રેમી રેન્જરે સૌનું સ્વાગત કરીને આ Zoom સેમિનાર યોજનાર કૃષ્ણાબહેનનો આભાર વ્યક્ત કર્યો હતો. સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના પ્રેસિડેન્ટ સી.બી. પટેલના નેતૃત્વ હેઠળ વિદેશમાં સરદાર પટેલની નીતિ-રીતિને અનુરૂપ આ સંસ્થા કેટલી સક્રિય રીતે કામ કરી રહી છે એનો ખૂબ ટૂંકમાં પરિચય આપ્યો. સંસ્થાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ. જી.પટેલે સંજય રાવલનો પરિચય આપતાં જણાવ્યું કે, 'તેઓ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે, તેઓ મૂળ બ્રાહ્મણ છે પણ પિતાજી દરજીનું કામ કરતા, ખૂબ ગરીબીમાં એમનો ઉછેર થયો. કષ્ટદાયી પરિસ્થિતિમાં તેમણે BSC LLB અને કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. સંજય રાવલે ૯૦૦થી વધુ સેમિનાર કરીને હજારો વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા છે.’
સંજય રાવલ કહે છે કે, 'સરદાર પટેલ મારા રોલ મોડેલ છે. સરદાર ઇચ્છતા હતા કે એજ્યુકેશન સીસ્ટમમાં સનાતન સંસ્કૃતિ અને ભગવદ્ ગીતાનો સમાવેશ થવો જોઇએ. આજે નાત, જાત, ધર્મ અને સંપ્રદાયોમાં આપણે વહેંચાઇ ગયા છીએ. * બોગસ એજ્યુકેશન સીસ્ટમમાં ઇંગ્લીશ, મેથેમેટીક્સ, જોગ્રોફી વિષયો સાથે ડોકટર, એન્જિનિયરો બનવા હોડ મચી છે. સારુ ભણે છે એ ઇન્ડિયા છોડી વિદેશ જતા રહે છે અને જે દેશમાં છે એવા પાસે વીઝન નથી.* સ્કૂલોમાં આજે પી.ટી.ના કોઇ શિક્ષક નથી એટલે દેશનો યુવાન માયકાંગલો જ ફરતો જણાય. શિક્ષણ પધ્ધતિમાં એક વર્ષ સૈનિકની તાલીમ હોવી જરૂરી છે. સ્કૂલોમાં પ્રેમના પ્રતીક તાજમહેલને ભણાવાય છે પણ પ્રેમમાં નિષ્ફળતા મળે તો આપઘાત ના કરાય, જીવનમાં નફો થાય તો ખુશ થઇએ પણ ખોટ સહન કરવાની તૈયારી નથી. *સરદાર પટેલ પોતે પરફેક્ટ વ્યક્તિત્વ હતું. એમણે સત્યાગ્રહ કર્યો, આઝાદી માટે લડ્યા, રાજ્યો એકત્રિત કર્યા એ સરદાર નહિ હતા, એમનો નિયમ હતો જે કંઇ કરો બેસ્ટ કરો. એ આપણે નથી કરતા. સરદારની જેમ આજના યુથમાં આત્મ નિર્ભરતા અને ઓનેસ્ટી (પ્રમાણિકતા) આવવી જરૂરી છે. સરદાર પોતે એક ઇન્સ્ટીટયૂટ હતા. હું ૮૦૦ સ્કૂલોમાં ગયો છું પણ સરદાર વિષે ભણાવતા જ નથી.
*સરદાર કહેતા કે છેલ્લે બેઠેલા વિદ્યાર્થીને પણ ફેસીલીટી મળવી જોઇએ. આજે ૫૦-૫૫ ટકા ઉપર રીઝલ્ટ મેળવનારાને ડોકટર- એન્જિનિયર બનવા એડમિશન મળે પણ નીચેના વિદ્યાર્થીનું શું? ઇન્ડિયામાં હું હજારો સ્કૂલો શરૂ કરવા છું જેમા ૫૦ ટકાથી ઓછાને મારી સ્કૂલોમાં સ્કીલ્ડ એજ્યુકેશન માટે એડમિશન આપીશ. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ માને છે કે સ્કીલ્ડની બહુ જરૂર છે. અત્યારે Thenને બદલે "Now”જરૂર છે. હવે દેશને ગાંધી-સરદારની જોડી જેવા નરેન્દ્ર મોદી અને અમીત શાહ મળ્યા છે. તેઓ લડાખની સરહદ પર જાતે જઇને સૈનિકોને મળ્યા. આજે વર્ષો પછી ચીનને પડકારી શકે એવો દેશને નેતા મળ્યો છે.”
સંજય રાવલના વક્તવ્યનો પ્રતિભાવ આપતાં સંસ્થાના પ્રેસિડેન્ટ સી.બી. પટેલે કહ્યું કે, ‘મેં સાત મુદ્દા લખ્યા છે. તમારા જીવનમાં જે છે તે સ્વીકારી લો અને સારુ કરવા પ્રયાસ કરો. ૧૦૩ વર્ષ પહેલાં મર્કીનો રોગ ફાટી નીકળ્યો ત્યારે મોટી સંખ્યામાં સ્થળાંતર થયેલું એ વખતે સરદારે ઠાસરા સહિત અન્ય ગામોમાં સફાઇ કામ કર્યું હતું. આપણે આપણી જાતને પૂછવું જોઇએ કે નિ:સ્વાર્થપણે, સમર્પણ બની કેટલું કામ કર્યું? સરદાર કેટલું કામ કર્યું એના કોઇ પુસ્તક લખ્યાં નથી.સરદારનું ભવ્ય સ્ટેચ્યુ બન્યું એનો અર્થ એવો નહિ કે આપણે એમની મૂર્તિને પૂજવી પણ એના દ્વારા એમના મૂલ્યો, વેલ્યુઝ સમજ્યા, આપણે વેલ્યુપૂજક છીએ. સરદાર પછી ૭૦-૭૨ વર્ષ પછી ભારતને એક સબળ, સ્વચ્છ શાસક વ્યક્તિ તરીકે નરેન્દ્રભાઇ મોદી મળ્યા છે. અત્રે સ્વબળે, શૂન્યમાંથી સર્જન કરનાર જેઓને સાહસે શ્રી વર્યા છે એવા લોર્ડ રેમી રેન્જર અને ઇલીંગના MPવીરેન્દ્રભાઇ શર્માની સેવાને બિરદાવી હતી.
ઇલીંગ અને સાઉથોલના લેબર MP વિરેન્દ્રભાઇ શર્માએ કહ્યું કે, "સરદાર એ ૧૯-૨૦મી સદીના ચાણક્ય હતા. દેશ કાજે એમની જે સેવા પ્રદાન કરી એના સિધ્ધાંત ચાણક્ય જેવા હતા. પ્રજાના પ્રશ્નો અને જરૂરત સમજવા તેઓ રાજમહેલ નહિ પણ ઝૂંપડીમાં રહેતા. આજે અહીંના યુવાનોને પણ આપણી પરંપરા વિષે માર્ગદર્શનની જરૂર છે. આપણે કામોમાં કેટલા રસ લઇએ છીએ? બ્રિટનની પાર્લામેન્ટ અને સ્થાનિક કાઉન્સિલોમાં ચૂંટાયેલા આપણા ભારતીયો યુઝલેસ બેઠા છે. આપણી સોશ્યલ અને ઇકોનોમિક વેલ્યુઝ સરદારે આપી છે એ પણ ભૂલી ગયા છીએ. પંજાબમાં ડ્રગ અને ખૂનામરકીના કેસ વધી રહ્યા છે ત્યાના યુવાનોને પણ પ્રેરણાત્મક સ્પીકરોની જરૂર છે. આપણા દેશમાં ઓનેસ્ટ અને ડિસન્ટ લોકો પેદા થાય એવું ઇચ્છીએ.”
સંસ્થાના ઓનરરી ચીફ એકઝીકયુટીવ કાન્તિભાઇ નાગડા (MBE)એ સેમિનારના અંતમાં કહ્યું કે, “ઇશ્વર તમને ખરાબ સમય એટલે આપે છે કે તમારે કંઇક કરવાનું છે એના બદલે તમે બીજું કરી રહ્યા છો.” કાન્તિભાઇએ પ્રેસિડેન્ટ સી.બી. પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ લોર્ડ રેમી રેન્જર, ઇન્ડિયા હાઉસ પ્રતિનિધિ સુનીતા, અમદાવાદથી ગુજરાતી પાર્શ્વગાયિકા માયા દીપકનો આભાર વ્યક્ત કર્યો સાથે સાથે કોરોના મહામારીના સમયમાં Zoom દ્વારા સંસ્થાના સેક્રેટરી ક્રિષ્ણાબેન પૂજારાએ જે રીતે સેમિનારનું આયોજન કર્યું એ બદલ તેઓ અભિનંદનને પાત્ર છે એમ જણાવ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter