યુકેમાં પધારેલા રાષ્ટ્રીય પુરસ્કારોથી પુરસ્કૃત કવિ, લેખક શ્રી અશોકપુરી ગોસ્વામીના ‘વજહ’ નામના ગઝલ સંગ્રહનું વિમોચન તાજેતરમાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ અને સાહિત્ય અકાદમીના સર્વેસર્વા વિપુલભાઈ કલ્યાણીના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા સાહિત્યના રખેવાળ, હિતચિંતક, પ્રચારક તરીકે સુખ્યાત ભદ્રાબહેન વડગામા, વિજયાબેન, લાલાજીભાઈ, ઈસ્માઈલભાઈ ખૂણાવાલા, આયુષ્માન ગોસ્વામી, ધવલભાઈ વ્યાસ તથા મોહનસિંહ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.
શ્રી અશોકપુરી ગોસ્વામીને તેમની નવલકથાઓ, કાવ્યસંગ્રહો તથા વાર્તાસંગ્રહો માટે અનેક પારિતોષિકો મળ્યા છે. વિશેષ કરીને તેમની ‘કુવો’ નવલકથાને દિલ્હી સાહિત્ય અકાદમીએ પારિતોષિક આપ્યું છે. તેમની નવલકથાઓ ભારતની અનેક ભાષામાં તથા અંગ્રેજીમાં પણ અનુવાદ થયાં છે. આજે ગુજરાતમાં સ્કૂલો તથા યુનવર્સિટીમાં એમના પુસ્તકો પાઠ્યપુસ્તકની શ્રેણીમાં આવી ગયા છે. 14 વિદ્યાર્થીઓએ એમ.ફિલ. અને ચાર વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યા છે.
બોલ્ટનમાં રહેતા અને સૌના માનીતા તથા ચહીતા ગઝલકાર શ્રી અદમભાઈ ટંકારવીને આ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના, આયોજન, સંચાલન અને કર્તૃત્વ ભારતી પંકજ વોરાનું હતું.