યુકે અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને ભારે નુક્સાન પહોંચાડનાર કોવિડ – ૧૯ મહામારીને લીધે સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપે તેના ગ્રાહકોને £૧૧૦ મિલિયન કરતાં વધુ રકમનું જંગી રિફન્ડ ચૂકવ્યું હતું. લગભગ ૪૦ વર્ષથી કાર્યરત સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપ કોરોના મહામારીને લીધે રદ થયેલા તમામ પેકેજ હોલિડેઝનું તમામ રિફન્ડ ચૂકવનારી યુકેની મુખ્ય ટ્રાવેલ કંપનીઓ પૈકીની એક છે.
બિઝનેસ પર કોવિડ મહામારીની ગંભીર અસર શરૂ થવા લાગી તે પછી ગ્રૂપે ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ થાય તે માટે અસાધારણ માગને પહોંચી વળવા કસ્ટમર કેર સેન્ટર અને તેની રિફન્ડ પ્રોસેસિંગ ટીમની કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. વધુમાં, અનોખા કોસ્ટ સ્ટ્રક્ચરને લીધે ગ્રૂપ એડમિનિસ્ટ્રેશન ખર્ચ લગભગ ૬૫ ટકા સુધી ઘટાડી શક્યું હતું.
સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપે યુકે સરકાર તરફથી ગયા વર્ષે અને આ વર્ષે કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ (ફર્લો) હેઠળ મળેલા તમામ નાણાં પણ પરત ચૂકવી દીધાં છે.
સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપના ડિરેક્ટર કુલજીન્દર બહીયાએ જણાવ્યું કે અમારા ઉદ્યોગ માટે ગયા વર્ષ જેવી સ્થિતિ અગાઉ કોઈ વર્ષે ન હતી. આવું થશે તેની કોઈને પણ ખબર ન હતી અને બિઝનેસીસ તેને માટે સહેજ પણ તૈયાર ન હતા. અમે ગ્રાહકોની માગને પહોંચી વળવાના હેતુસર તાત્કાલિક રિફન્ડ કામગીરી વધારીને અને ઝડપી બનાવી દીધી.
અમારા બિઝનેસને કોવિડ – ૧૯ મહામારીને લીધે ખૂબ અસર થઈ તે છતાં તાજેતરમાં અમે યુકે સરકાર પાસેથી વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં મળેલા ફર્લોના તમામ નાણાં પરત ચૂકવી દેવાનો નિર્ણય લીધો હતો. અમે માનતા હતા કે સૈદ્ધાંતિક રીતે આ પગલું લેવું યોગ્ય હતું અને મહામારીને લીધે ભારે દબાણ હેઠળ રહેલી પ્રજાના માથે જે બોજ છે તેમાં વધારો કરવો યોગ્ય નથી.
અમારા બિઝનેસ પર કોવિડ – ૧૯ મહામારીની સતત અસર થઈ રહી છે. જોકે, વેક્સિનેશનને મળેલી સફળતા અને યુકેમાં ટ્રાવેલ નિયંત્રણોમાં તાજેતરમાં થયેલા હકારાત્મક ફેરફારોથી લોકોને વિદેશ પ્રવાસ કરવાનું ખૂબ સરળ થશે. હંમેશા અંધકાર પછી અજવાળું હોય જ છે.
ટ્રેડિંગ પર આ ફેરફારોની ખૂબ સકારાત્મક અસર થઈ છે અને હવે ટૂંક સમયમાં જ બુકિંગનું પ્રમાણ મહામારી પહેલા જેટલું હતું તેટલું થઈ જશે તેનો અમને દ્રઢ વિશ્વાસ છે.
સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપની ટીમે સહેજ પણ થાક્યા વિના તેમની ફરજ બજાવી હતી અને સમગ્ર મહામારી દરમિયાન નવી કાર્ય પદ્ધતિ અપનાવી હતી તે બદલ હું ટીમ માટે ખૂબ ગર્વની લાગણી અનુભવું છું.
સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપ યુકેની અગ્રણી ટ્રાવેલ કંપનીઓ પૈકી એક છે જે મીડલ ઈસ્ટ, ભારતીય ઉપખંડ, યુએસએ અને ફાર ઈસ્ટ સહિત દુનિયાભરના સ્થળોના પ્રવાસ માટે ફ્લાઈટ, હોટલ્સ અને પેકેજ હોલિડેઝ સહિત ટ્રાવેલ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પૂરી પાડે છે.