લંડનઃ સાઉથોલ ટ્રાવેલને પ્રતિષ્ઠિત બ્રિટિશ ટ્રાવેલ એવોર્ડ્ઝમાં મિડલ ઈસ્ટ/નોર્થ આફ્રિકા માટે શ્રેષ્ઠ ટ્રાવેલ કંપની કેટેગરીમાં સિલ્વર એવોર્ડ એનાયત કરાયો છે. આ સન્માન સાઉથોલ ટ્રાવેલ માટે નોંધપાત્ર સીમાચિહ્ન છે જે વિશ્વના સૌથી ગતિશીલ અને લોકપ્રિય પ્રદેશોમાં એક માટે અભૂતપૂર્વ પ્રવાસ અનુભવ પૂરો પાડવાની કંપનીની નિષ્ઠા પ્રદર્શિત કરે છે.
સાઉથોલ ટ્રાવેલના માર્કેટિંગ મેનેજર અનુજા ભગતે આ સંદર્ભે જણાવ્યું હતું કે,‘ આ એવોર્ડ જીતવો એ મહાન સન્માન છે અને તેનો યશ અમારા કસ્ટમર્સને જાય છે. તમારો વિશ્વાસ અને વફાદારી અમને તમારા પ્રવાસ અવિસ્મરણીય અને અવરોધો વિનાના બની રહે તે માટે અમારી સેવાઓને સતત ઊંચે લઈ જવાની પ્રેરણા આપે છે.’ સાઉથોલ ટ્રાવેલમાં મિડલ ઈસ્ટ માટે પ્રોડક્ટ મેનેજર નીલા ગોયલે આ લાગણીનો પડઘો પાડતાં ઉમેર્યું હતું કે, ‘આ એવોર્ડ અમારી સમગ્ર ટીમની સખત મહેનત અને જોશને પ્રદર્શિત કરે છે. અમે દરેક પ્રવાસી અભૂતપૂર્વ અનુભવ મેળવે તે માટે સતત પ્રયાસ કરતા રહીએ છીએ અને આ પ્રયાસોને આવા પ્રતિષ્ઠિત મંચ પર બિરદાવાય તે ખરેખર આનંદદાયક છે.’ સાઉથોલ ટ્રાવેલમાં આફ્રિકા માટે પ્રોડક્ટ મેનેજર પ્રીતિ ભુડીઆએ ઈનોવેશન પર કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે,‘ અમે આ સિદ્ધિને ઉજવી રહ્યા છીએ ત્યારે અમે અમારી સેવાની ઓફરને કેવી રીતે વધુ આગળ લઈ જઈ શકાય તેના વિશે પણ વિચારીએ છીએ.’
મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકામાં પ્રવાસસ્થળોએ પ્રવાસ અનુભવોને સુસજ્જ કરી આપવામાં સાઉથોલ ટ્રાવેલની કુશળતા તેની સફળતામાં પાયારૂપ છે. દુબઈમાં વૈભવી પ્રવાસ હોય કે મોરોક્કોમાં સાંસ્કૃતિક એડવેન્ચર હોય અથવા સમગ્ર વિસ્તારોમાં બિઝનેસ પ્રવાસ હોય, શ્રેષ્ઠ આપવાની કંપનીની પ્રતિબદ્ધતાએ જીવનના તમામ ક્ષેત્રોમાંથી પ્રવાસીઓની વફાદારી હાંસલ કરી છે.
સાઉથોલ ટ્રાવેલમાં ચીફ કોમર્શિયલ ઓફિસર જયમીન બોરખેતરીઆએ જણાવ્યું હતું કે,‘ આ સિલ્વર એવોર્ડ સાઉથોલ ટ્રાવેલની માત્ર તેના કસ્ટમર્સ માટે પ્રતિબદ્ધતાનો જ સૂચક નથી પરંતુ, ઈનોવેશન, ગુણવત્તા અને ગ્રાહકોના સંતોષ થકી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં અગ્રેસર રહેવાની તેની મહત્ત્વાકાંક્ષા પણ દર્શાવે છે.’
1984માં સ્થાપિત સાઉથોલ ટ્રાવેલ વિશ્વવ્યાપી ફ્લાઈટ્સ અને પેકેજીસના અગ્રણી ઓપરેટર અને યુકેમાં ભારતની ફ્લાઈટ્સ માટે સૌથી મોટા ટ્રાવેલ એજન્ટ છે. તેના સૌથી લોકપ્રિય હોલીડે પ્રવાસસ્થળોમાં ભારત, દુબઈ, ઈન્ડિયન ઓશન, થાઈલેન્ડ, યુએસ અને તૂર્કીએનો સમાવેશ થાય છે.